કોંગ્રેસ વિધાયક દળના નેતા એ.રેવંત રેડ્ડીએ ગુરુવારે તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજને રેવંત રેડ્ડીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અહીંના તેલંગાણાના એલબી સ્ટેડિયમમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.
શપથ લીધા પછી તરત જ તેમણે ચૂંટણી વચન પૂરું કર્યું. રેડ્ડીએ ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે સીએમ આવાસના તમામ દરવાજા જનતા માટે ખુલ્લા રહેશે. તેમના વચનને પૂર્ણ કરવા માટે, ગુરુવારે મુખ્યમંત્રી કાર્યાલય (પ્રગતિ ભવન) સામે લગાવવામાં આવેલા લોખંડના બેરિકેડ્સને હટાવવાનું કામ શરૂ થયું. મળતી માહિતી મુજબ ઘણા બુલડોઝર, ટ્રેક્ટર અને મજૂરો ઘરની બહાર બેરિકેડ હટાવવા માટે પહોંચી ગયા હતા.