હજુ થોડા દિવસ અગાઉ એક વેપારી સાથે CBIના નામ પર એક યુવતીએ પૈસા પડાવ્યા ત્યારે આ વખતે અન્ય એક યુવતીએ ‘ઈન્ડિયન આર્મી’ના નામથી સોશિયલ મીડિયા પ્રોફાઈલ બનાવીને વેપારી પાસેથી પૈસા ખંખેર્યા હતા. હાલ આ મામલે વડોદરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 30 નવેમ્બરના રોજ રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ મારા ફેસબુક પર કોઇ અજાણ્યા આઇડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, જે આઇડીની URLની માહિતી મારે પાસે નથી. આ ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ ફેસબુક મેસેન્જરથી અમારા બંને વચ્ચે સામાન્ય વાતચીત થઇ હતી, જેમાં યુવતીએ મારી પાસે મારો મોબાઇલ નંબર માંગતા મેં મારો મોબાઇલ નંબર આપ્યો હતો અને ત્યારબાદ મને મારા મોબાઇલ નંબરના વ્હોટ્સએપ પર એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી મેસેજ આવ્યા, જેમાં તેનુ પ્રોફાઇલ નેમ ઇન્ડિયન આર્મી (Indian Army) લખેલું જણાતુ હતું. જે બાદ અમારી વચ્ચે વ્હોટ્સએપ પર સામાન્ય વાતચીત થઈ હતી.
ત્યારબાદ યુવતીએ તેના વ્હોટ્સએપ નંબર પરથી મારા વ્હોટ્સએપ નંબર ઉપર વીડિયો કોલ કર્યો હતો. આ વીડિયો કોલ ઉપાડતા સામે કોઇ અજાણી છોકરી દેખાઇ હતી. મે તે વીડિયો કોલ તરત જ કટ કરી નાંખ્યો હતો પરંતુ, હું તે વીડિયો કટ કરૂ એટલા સમયમાં તેણે મારી જાણ બહાર તેના મોબાઇલમાં વીડિયો કોલનું સ્કિન રેકોર્ડિંગ કરી લીધું હતું અને તે વીડિયોને અન્ય અશ્લીલ હરકત કરતા વીડિયો સાથે એડીટીંગ કરીને જોડી દીધો હતો. આ એડીટીંગ કરેલા અશ્લીલ વીડિયો મને મારા વ્હોટ્સએપ નંબર પર મોકલ્યા હતા અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી
તેણે વીડિયો વાઈરલ ન કરવા અને ડિલીટ કરવા મારી પાસે પૈસાની માગણી કરવા લાગ્યા હતા અને ગૂગલ પે કરવા પણ જણાવ્યું હતું, જેથી, મે તેને મારો વીડિયો વાઈરલ નહી કરવા અને ડીલીટ કરવા માટે સમજાવા લાગ્યો હતો પરંતુ, તે માન્યા નહી, જેથી મે મારી બદનામી ના થાય તે હેતુથી અને ગભરાઇ જઈને ગૂગલ પેથી ઉપરથી 6 ડિસેમ્બરે 2500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તે ગૂગલ પે એકાઉન્ટ લલીતકુમાર બૈરવાના નામે જણાતુ હતું અને ત્યારબાદ થોડીવારમાં વ્હોટ્સએપ પરથી કોલ આવ્યો હતો અને અને મને જણાવ્યું હતું કે, મે તમારો એડીટીંગ કરેલ અશ્લીલ વીડિયો ડિલીટ કરી દીધો છે.
જોકે, ત્યારબાદ તેણે ફરીથી મને 2500 રૂપિયા ટ્રાન્સફર કરવા માટે જણાવ્યું હતું. જેથી, મે મારા ગૂગલ પેથી રૂપીયા ટ્રાન્સફર કર્યા હતા અને આ બેન્ક ખાતુ પણ લલીતકુમાર બૈરવાના નામે હતુ. આ પછી પણ જુદા-જુદા વ્હોટ્સએપ નંબર પરથી મને ઓડિયો કોલ કરીને તેમજ મેસેજ કરીને મારો એડીટીંગ કરેલ અશ્લીલ વીડિયો વાઈરલ કરવાની ધમકી મળી અને વધુ રૂપિયા આપવાની માંગણી કરવા લાગ્યો હતો, જેથી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે.