અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કુકાવાવમાં ખેડૂતને PGVCL દ્વારા એક રૂપિયો બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે. હરેશભાઇ પોપટભાઇ સોરઠીયા નામના ખેડૂતને વડીયા લોક અદાલતમાં 1 રૂપિયો ભરવા અંગે નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે.
PGVCL દ્વારા હરેશભાઇ પોપટભાઇ સોરઠીયા નામના ખેડૂતનો નોટિસ ફટકારવામાં આવી છે કે આગામી નેશનલ લોક અદાલત યોજાનાર છે જે અન્યયે તમારો કેસ સમાધાન થાય તે માટે રાખેલ છે. જેની મુદ્દત તારીખ તથા સમય નીચે મુજબ આપવામાં આવ્યો છે અને તમો પ્રતિવાદી અદાલતમાં હાજર રહેશો, જેથી તમારા કેસ બાબતે સમાધાન અંગે સંનિષ્ઠ પ્રયાસો થઇ શકે. આ સાથે જ નોટિસમાં લખવામાં આવ્યું છે કે કેસ પુરો ના થાય ત્યાં સુધી હાજર રહીને સહકાર આપશો.
PGVCL દ્વારા ખેડૂતને 1 રૂપિયાની રિકવરી નોટિસ આપવામાં આવવા મામલે ઉર્જા મંત્રી કનુ દેસાઇએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કનુ દેસાઇએ કહ્યું કે, 5 રૂપિયાની ટિકિટ ખર્ચી PGVCL દ્વારા ખેડૂતને 1 રૂપિયાની રિકવરી નોટિસ આપવામાં આવી છે. આ રીતે 1 રૂપિયાના ટોકન માટે નોટિસ ન કઢાય. આ સાથે જ ઉર્જા મંત્રીએ કહ્યુ કે, સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ કરીને વધુ માહિતી જણાવવામાં આવશે આ સાથે જ અધિકારી સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.