હિંમતનગરના વક્તાપુર ગામે રાવળ પરિવારમાં બે પુત્રો અને માતા-પિતા છૂટક મજૂરી કરી પોતાનો ગુજરાત ચલાવી રહ્યા હતા પરંતુ પિતા અને બે પુત્રો દેશી દારૂના બંધાણી હતા. દારૂના નશામાં બે પુત્રો અને પિતા વચ્ચે પારિવારિક ઝઘડો થતા બે પુત્રોએ પિતાનું કાસળ કાઢી નાખ્યું છે.
પિતા દારૂના નશામાં ઘરે આવ્યા અને તેમની પત્ની સાથે જીભાજોડી કરી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બંને પુત્રો ઘરે હાજર હતા જેઓએ પિતાને રોકતા પિતા અને બે પુત્રો વચ્ચે ઝપાઝપી થઈ હતી. પિતા ઘરેથી નાસી છૂટ્યા અને ત્યારબાદ ઘરથી થોડાક જ અંતરે બે પુત્રોએ તેમને ઝડપ્યા અને બાદમાં સામસામે છુટા હાથે તેમજ લાકડી અને કુહાડી વડે હુમલા કર્યા હતા જેમાં પિતા ઘાયલ થયા હતા અને તેઓને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલના હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. પોલીસે તપાસ હાથ ધરી હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી બંને આરોપી પુત્રોની ધરપકડ કરી હતી.