હિન્દી બેલ્ટના ત્રણ મહત્વના રાજયો મધ્યપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભા ચુંટણીમાં ભવ્ય વિજય બાદ પણ એક સપ્તાહ સુધી નવા મુખ્યમંત્રી નિશ્ચીત કરવામાં ‘સમય’ લીધા બાદ ગઈકાલે છતીસગઢમાં ચર્ચાને તથા અટકળોને ખોટી પાડીને આદિવાસી ક્ષેત્રના ‘મહારથી’ તરીકે ઉપસી આવેલા અને વિષ્ણુદેવ સાયતાને જવાબદારી સોપ્યા બાદ આજે સાંજે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે પણ રાજસ્થાનમાં કોકડું ભારે ગુંચવાયું છે અને હવે આજે મળનારી ધારાસભ્યોની બેઠક મુલત્વી રખાઈ છે તથા આવતીકાલે નવા નામ પર મંથન થશે.
મધ્યપ્રદેશમાં આજે બપોરે 1 વાગ્યાથી જ પાટનગર ભોપાલમાં આ માટેની સતાવાર ગતિવિધિ શરુ થઈ જશે અને 3.45 કલાકે ધારાસભ્યોની બેઠક મળશે જેમાં સાંજે પાંચ વાગ્યે નવા ચહેરાની જાહેરાત થઈ શકે છે. ભાજપે મધ્યપ્રદેશમાં પણ છતીસગઢ જેવું આશ્ર્ચર્ય સર્જવાની તૈયારી રાખ્યાના સંકેત છે જેમાં સૌથી આગળ પુર્વ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનું નામ છે. તેઓએ કેન્દ્રીય મંત્રી તરીકે કામગીરી તેમના પ્લસ પોઈન્ટ છે. આ આરએસએસની મંજુરી પર સૌની નજર છે તો 2018માં પરાજય બાદ ભાજપે પક્ષાંતરથી સરકાર ‘ભેટ’માં આપનાર કેન્દ્રીય મંત્રી જયોતીરાદીત્ય સિંધીયા પણ ચર્ચામાં છે પણ તેમનું મૂળ કોંગ્રેસી લેબલ તેના વિરોધમાં છે. આ ઉપરાંત પુર્વ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર માટે સૌથી વધુ તક હતી પણ ચુંટણી સમયે તેના પુત્રનો એક વિડીયો વાયરલ થયો તે તેમના વિરુદ્ધ જઈ શકે છે પણ સંઘનું દબાણ તેમની સાથે છે.
આ ઉપરાંત કૈલાસ વિજય વર્ગીય જેઓએ પશ્ર્ચીમ બંગાળમાં બે બે વર્ષ કેમ્પ કરીને ભાજપને મજબૂત કરવાની જવાબદારી લીધી હતી તેઓ પણ સ્પર્ધામાં છે અને તેમના પુત્ર જે ગત ટર્મમાં ધારાસભ્ય હતા તેમને ટિકીટ નહી આપી ખુદ કૈલાસ વિજય વર્ગીયને ટિકીટ આપી માલવા ક્ષેત્રમાં કોંગ્રેસના પ્રભાવ ઘટાડવામાં અને ભાજપને વધુ બેઠકો મળે તેમાં સફળતા મેળવી છે પણ હાલના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ પાંચમી ટર્મ માટે આશાવાદી છે પણ ભાજપ મોવડીમંડળ કદાચ તેમને અપગ્રેડ કરીને કેન્દ્રમાં લઈ જાય તેવા સંકેત છે પણ આ ચાર સીનીયર નામોમાં જો કોઈને મુખ્યમંત્રી પદ ન મળે તો નાયબ મુખ્યમંત્રી અથવા અધ્યક્ષપદ મળી શકે છે.