ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલે લગાતાર પાંચ દિવસ સુધી મોતીતળાવ વિસ્તારમાં ઓપરેશન દબાણ હટાવ હાથ ધર્યા બાદ આજે બુલડોઝર કાળીયાબીડ તરફ વળ્યા હતા. પાણીની ટાકી પાસે કોર્પોરેશનની માલીકીના સર્વે નં.૨૩૪ વાળા પ્લોટમાં પગદંડો જમાવી રિક્ષા સહિતના વાહનો પાર્ક કરાયા હતા તેમજ વેપાર ધંધા માટે કોર્પોરેશનનો પ્લોટ ગેરકાયદે ઉપયોગ થતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ૬ વાહનોને લોક કરાયા હતા. તેમજ એક કેબીન અને સાત લારી જપ્ત લેવાઈ હતી.
લોક કરેલ એક રિક્ષાને બાદમાં કબ્જે લેવાઈ હતી. ઉલ્લેખનિય છે કે થોડા મહિનાઓ પુર્વે એક કોન્ટ્રાકટરે અહિ ગેરકાયદે રીતે પોતાની સાઈટ ધમધમતી કરી દિધી હતી આ સમયે કોર્પોરેશને કડક કાર્યવાહી કરી લાખેક રૂપીયાનો દંડ વસુલ્યો હતો.
ટોપથ્રી સર્કલ તેમજ દુઃખીશ્યામ બાપા સર્કલ વિસ્તારમાં પણ આજે તંત્રએ રાઉન્ડ લીધો હતો. ગત અઠવાડીયે કંસારાના કાઠે લાકડાનો વેપારી તંત્રની ઝપટે ચડ્યો હતો. પરંતુ દંડ વસુલી આ ગેરકાયદે કબ્જા ખાલી કરી લાકડા લઈ જવા તાકિદ કરી તંત્રએ કુણુ વલણ અપનાવ્યુ હતું. પરંતુ લાકડાના વેપારીએ તંત્રની કુણા વલણનો ગેરફાયદો લઈ કેટલોક સામાન સ્થળ પર જ રહેવા દિધો હતો. આજે તંત્રના રાઉન્ડમાં ફરીથી ઝપટે ચડતા ત્રણ ટ્રેકટર ભરીને લાકડા તેમજ લાકડા કાપવાનું એક મશિન વિગેરે સામાન જપ્ત કરાયો હતો.