ભજનલાલ શર્માને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તે 15 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પછી ભજનલાલ શર્મા રાજ્યપાલ કલરાજ મિશ્રને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
ભજનલાલ શર્મા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જેમ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હતા અને સીધા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તે સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને અમિત શાહના નજીકના ગણાય છે. ABVP દ્વારા રાજકારણમાં એન્ટ્રી કરનારા ભજનલાલ ભાજપ સંગઠનમાં પકડ ધરાવે છે.
ભજનલાલ શર્માની સરકારમાં દિયા કુમારી અને પ્રેમચંદ ભૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. દિયા કુમારી રાજપૂત સમાજમાંથી આવે છે જ્યારે પ્રેમચંદ ભૈરવા દલિત સમાજમાંથી આવે છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે આ દરમિયાન રાજસ્થાન વિધાનસભાના સ્પીકરના નામની પણ જાહેરાત કરી છે. વાસુદેવ દેવનાની રાજસ્થાન વિધાનસભાના સ્પીકર હશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યુ કે ભજનલાલ શર્માએ રાજ્યમાં સંગઠનને વધારવા માટે કામ કર્યું છે.
52 હજારથી ચૂંટણી જીત્યા હતા ભજનલાલ શર્મા
ભજનલાલ શર્મા જયપુરની સાંગાનેર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેમણે પોતાની પ્રથમ ચૂંટણીમાં 1,45,162 મત મળ્યા હતા, તેમની સામે ચૂંટણી લડેલા કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 97,081 મત મળ્યા હતા. દિયા કુમારી વિદ્યાદ્યરનગર અને પ્રેમચંદ ભૈરવા દૂદૂ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. વાસુદેવ દેવનાની અજમેર ઉત્તરના ધારાસભ્ય છે.