ભારતીય શેરબજારમાં આજે ઓલ રાઉન્ડ ધૂમ લેવાલીથી સેન્સેકસ 900 તથા નીફટી 246 પોઈન્ટના તોતીંગ ઉછાળા સાથે નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. માર્કેટ કેપ 354 લાખ કરોડથી અધિક થયુ હતું. બીજી તરફ સોના-ચાંદી પણ સળગ્યા હતા અને અનુક્રમે રૂા.1200 તથા રૂા.2800 નો ઉછાળો નોંધાયો હતો. અમેરીકાએ નવા વર્ષમાં અપેક્ષા કરતા પણ વ્યાજદર ઘટાડો કરવાનો સંકેત આપવા વિશ્વભરનાં ફાઈનાન્સીયલ માર્કેટોમાં જોરદાર તેજી થઈ હતી.
ભારતીય શેરબજારમાં આજે શરૂઆત જ ગેપ-અપ હતી. વિશ્વ બજારોની તેજીની સારી અસર હતી. અમેરીકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર યથાવત રાખવાની સાથોસાથ નવા વર્ષે ધારણા કરતાં વ્હેલો વ્યાજદર ઘટાડવાનો નિર્દેશ કરતા ઘણી સારી અસર થઈ હતી. વિશ્વભરની માર્કેટોમાં માનસ તેજીનું થઈ ગયુ હતું. આર્થિક મંદી તથા મોંઘવારીનો ભય ઓસરવા લાગ્યો હોવાની છાપ ઉપસતા સાનુકુળ પડઘો પડયો હતો. ભારતીય અર્થતંત્ર વિશે ફુલગુલાબી ચિત્ર હતું જ અને તેવા સમયે એશીયન ડેવલપમેન્ટ બેંકે પણ ભારતનું વિકાસદરનું અનુમાન વધારતા તેજીને નવો ટેકો મળ્યો હતો.