ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં વ્યાપક વીજ લોસના કારણે આજે વહેલી સવારે વીજ તંત્રએ ચેકીંગ હાથ ધરી ૧૧ સ્થળેથી વીજચોરોને રંગેહાથ ઝડપી લઇ સપાટો બોલાવ્યો હતો. શિયાળાની સવારમાં લોકો મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે વીજ તંત્રના માણસોએ ઉતરી પડી વીજચોરોને કહી શકાય કે ઉંઘતા જ ઝડપી લીધા હતાં. ૧૧ સ્થળેથી રૂા.૬.૫૦ લાખની વીજચોરી ઝડપી લઇ તેની વસુલાત માટે તંત્રએ આકરી કાર્યવાહી હાથ ધરતા ફફડાટ મચ્યો હતો.
આ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગર વીજ વર્તુળ કચેરી-૧ દ્વારા આજે કુંભારવાડા વિસ્તારમાં બાનુબેનની વાડી, ગઢેચી રોડ અને નારીરોડ વિસ્તારમાં ૨૫ સ્થળોએ વીજચોરી સંદર્ભે તપાસ હાથ ધરી હતી. ચાર ટીમ દ્વારા વહેલી સવારે લોકોના દરવાજા ખખડાવીને વીજ ચેકીંગ હાથ ધરાયું હતું જેમાં ૧૧ સ્થળેથી વીજચોરી ઝડપાઇ છેે તે પૈકી છ શખ્સો દ્વારા વીજપોલ પરથી તાણીયા નાખીને સીધુ જ કનેકશન મેળવી વીજચોરી કરવામાં આવતી હતી. આવા તત્વો સાંજ પડે એટલે વીજપોલ પર તાણીયા નાખી દેતા અને સવારે તાણીયા પાછા ખેંચી લેતા પરંતુ આજે વીજ તંત્રએ વીજચોરોને સુતા જ ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. અન્ય પાંચ કિસ્સામાં કનેકશન ધરાવતા ગ્રાહકોએ મીટરમાંથી બાયપાસ કરીને વીજ પૂરવઠો વાપરવાનું શરૂ કર્યું હોવાનું ખુલ્યું હતું. આથી તમામ ૧૧ વીજચોરો સામે દંડનીય કાર્યવાહી કરી રૂા.૬.૫૦ લાખની પેનલ્ટી ફટકારાઇ હતી.