વિશ્વસ્તરે આર્થિક સ્લોડાઉન છતાં અસામાન્ય ગતિએ ભારતીય અર્થતંત્ર ધબક્તુ જ રહ્યું છે અને વિશ્વ ભરમાં સૌથી ઉંચો વિકાસદર હાંસલ કરી રહ્યું છે ત્યારે ભારત આવનારા સમયમાં દુનિયાનું નંબર વન અર્થતંત્ર બની જશે એટલું જ નહીં આગામી 2024નું વર્ષ ભારતનું બની રહેશે અને ભારત આર્થિક મહાસતા બનવાના માર્ગે આગળ ધપશે તેવું વિધાન ભારત-અમેરિકી રણનીતિક સહયોગ ફોરમ દ્વારા કરવામાં આવ્યું છે.
ફોરમના અધ્યક્ષ જોન ચેમ્બર્સે કહ્યું કે ભારત ઈતિહાસના અત્યંત મહત્વપૂર્ણ તબકકે છે અને આ ઐતિહાસિક સમય પર કબ્જો કરશે. વિકાસ-પ્રગતિ તરફ આગળ વધશે અને આવતા વર્ષો માટે નવી તકોનું નિર્માણ કરશે. તેઓએ કહ્યું કે 2023નુ વર્ષ ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી માટે મહત્વનું રહ્યું હતું. 2024માં પણ બન્ને દેશો મહત્વના રણનીતિક ભાગીદાર બનશે અને દુનિયાભરને નવા ઈનોવેશન-શોધ માટે દિશા આપશે તથા નવી રોજગારીઓનું સર્જન કરશે. તેઓએ કહ્યું કે ડીજીટલ તથા આર્ટિફીશીયલ ઈન્ટેલીજન્સ જેવી ટેકનોલોજીની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
ભારતની અમેરિકા ઉપરાંત અન્ય વિકસીત રાષ્ટ્રો સાથે સહયોગ અને વ્યુહાત્મક ભાગીદારી વધારવાની ઉત્સુકતાનું પણ મોટુ યોગદાન હશે. જોન ચૈમ્બર્સે એવો દાવો કર્યો હતો કે સાઈબર સુરક્ષા ક્ષેત્રમાં ફરી જોરદાર તેજી આવશે. 2023ના સાઈબર હુમલા તથા તેનાથી જંગી આર્થિક-નાણાકીય નુકશાન આ ક્ષેત્રના વિકાસના દ્વાર ખોલશે. માત્ર કલોરોકસ સાઈબર હુમલામાં જ 60 કરોડ ડોલરનું આર્થિક નુકશાન થયુ હતું.
આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ 2024માં સૌથી મોટો ટેકનીકલ બદલાવ લાવવાની ભવિષ્યવાણી કરતા તેઓએ કહ્યું કે આ ટેકનોલોજી મુખ્ય ધારામાં સામેલ થઈ જશે. 2024માં આ ટેકનાલોજી ખૂબ આગળ વધશે. ડીજીટલ યુગમાંથી આર્ટિફીશીયલ ઈન્ટેલીજન્સના યુગમાં પ્રવેશ થશે. દરેક કંપનીમાં આ ટેકનોલોજીની માંગ કરશે. સ્ટાર્ટઅપ તેનો ઉપયોગ નહીં કરે તે નિષ્ફળ જશે. મોટી કંપનીઓને પણ ફરજ પડશે. એઆઈ ટેકનોલોજી મોટી માર્કેટો તથા માણસોના મગજ પર કબ્જો કરી લેશે. જો કે, ડીપફેક સામાન્ય લોકોથી માંડીને કંપની- સરકારો માટે પણ મોટો ખતરો બનવાની ચેતવણી ઉચ્ચારી હતી.