અમદાવાદ-વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર દરોડા પાડવામાં આવ્યા છે. નકલી ડોક્યુમેન્ટને આધારે લોકોને વિદેશ મોકલાતા હોવાની આશંકાએ કાર્યવાહી કરાઇ છે. જેને લઈ 17 ટીમ બનાવી CID ક્રાઇમ શાખાએ વિવિધ શહેરોમાં કાર્યવાહી કરી છે. આ તરફ આ દરોડામાં ગેરકાયદે વીઝા કાર્યવાહીને લઇને મહત્વના પુરાવાઓ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
રાજ્યમાંથી ગેરકાયદે વિદેશ જનારા લોકોના મોતની અનેક ઘટનાઓ સામે આવી છે. આ લોકો નકલી ડોક્યુમેન્ટને આધારે વિદેશમાં જતા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. CID ક્રાઇમની ટીમે વડોદરાની માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પણ દરોડા પાડ્યા છે.
નોંધનિય છે કે, થોડા દિવસો અગાઉ એરપોર્ટથી ઝડપાયેલી મહિલાના કનેક્શનને લઇને તપાસ ચાલી રહી છે. આ સાથે ગેરકાયદે વિદેશ જવામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાને લઇ કાર્યવાહી કરાઇ છે. ગુજરાતમાંથી મોટાપાયે ગેરકાયદે લોકોને વિદેશ મોકલાતા હોવાની માહિતી સામે આવતા હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.