વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતનાં પ્રવાસે આવશે. આવતીકાલે સુરતમાં આંતર રાષ્ટ્રીય હવાઈ ટર્મીનલ તથા વિશ્વનાં સૌથી મોટા ઓફીસ બિલ્ડીંગ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નવા વર્ષે સુરત આવતા હોવાથી પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાશે.
વડાપ્રધાન મોદીના આગમનને લઈ શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત એરપોર્ટથી ખજોદ ખાતેનાં ડાયમંડ બુર્સ સુધીનાં રસ્તા પર છ જેટલા સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવશે. જયા વડાપ્રધાન મોદીનું ઢોલ-નગારા અને પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવશે.
શહેરનાં તમામ ધારાસભ્યોને સ્વાગત પોઈન્ટ પરની વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનાં અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈ ચાલતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.દરમ્યાન સંગઠનના હોદેદારો તેમજ ધારાસભ્યોને જવાબદારી પણ સોંપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર પ્રમુખની આગેવાની હેઠળ ભાજપ કાર્યાલય ખાતે અગત્યના કાર્યકરોની બેઠક બોલાવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઈ ભાજપનાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.