અમેરિકાની સરકારી એજન્સી યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું છે. એજન્સીના USCIRF-2023 નામના રિપોર્ટમાં ભારત પર પ્રતિબંધ લગાવવા સાથે દાવો કરાયો છે કે, ભારત વિદેશમાં રહેતા પોતાના વિરોધી વકીલો, કાર્યકર્તાઓ અને પત્રકારોને ચૂપ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. એજન્સીના કહેવા મુજબ ભારત સરકારવિદેશોમાં લઘુમતીઓને ટાર્ગેટ કરી રહી છે. ભારતમાં લઘુમતીઓની ધાર્મિક સ્વતંત્રતા પર સતત હુમલા થઈ રહ્યા છે, ત્યારે એજન્સીએ આ બાબતોને ટાંકીને ભારતને ‘વિશેષ ચિંતાના દેશો’માં સામેલ કરવાની ભલામણ કરી છે.
USCIRFના કમિશનર સ્ટીફન શ્નેકના જણાવ્યા મુજબ એજન્સીના રિપોર્ટમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુ પર હુમલાના પ્રયાસોનો ઉલ્લેખ કરાયો છે. પન્નુ પાસે અમેરિકા અને કેનેડા બંને દેશોની નાગરિકતા છે. અમેરિકા પન્નુને શિખ એક્ટિવિસ્ટ માને છે. આ એજન્સીએ ગત વર્ષે પણ ભારતને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી હતી. જોકે એજન્સની વારંવાર માંગ છતાં જો બાઈડેન સરકારે ભારત પર કોઈપણ કાર્યવાહી કરી નથી. ભારત સ્થિત અમેરિકી દુતાવાસે પણ આ મામલે કંઈ કહ્યું નથી. તો બીજી તરફ ભારત પણ આવા આક્ષેપોને રદિયો આપતું રહ્યું છે.