અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડેનની સુરક્ષામાં મોટી ચૂક થયાનો મામલો સામે આવ્યો છે જેમાં બાયડેન કાફલા સાથે એક કાર અથડાઈ હતી. ગઈકાલે જો બાયડેન તેમની પત્ની સાથે એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી, જો કે આ ઘટનામાં કોઈને નુકસાન થયાની માહિતી નથી. અમેરિકાના ડેલાવેરના વિલ્મિંગટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેનથી લગભગ ૪૦ મીટર દૂર નજીક જ એક કાર રાષ્ટ્રપતિના કાફલા સાથે અથડાતા સુરક્ષા કર્મીઓએ રાષ્ટ્રપતિને તાત્કાલિક કારમાં બેસાડી દીધા હતા.
વ્હાઈટ હાઉસના અધિકારીએ આ ઘટના અંગે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ અને તેમના પત્ની બંને ઠીક છે અને કોઈ નુકસાનના સમાચાર નથી. આ ટક્કર બાદ રાષ્ટ્રપતિ અને તેમના પત્નીને ઘટનાસ્થળેથી દૂર લઈ જવાયા હતા અને સુરક્ષાકર્મીઓએ જે કારે ટક્કર મારી હતી તેને ઘેરી લીધી હતી.