શહેરના કુભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં પોણા બે વર્ષ પૂર્વે ધારીયાના ઘા ઝીકી મહિલાની હત્યા કરનાર શખ્સને ભાવનગર કોર્ટે કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાયત્રીનગર, અળવરોડ, બોટાદ ખાતે રહેતા ઝરીનાબેન ઇસુબભાઈ જુણેજા ઉં.વ.૪૫ ગત તારીખ ૨૭- ૨ -૨૦૨૨ના રોજ ભાવનગર ખાતે એક પ્રસંગમાં આવ્યા હતા અને રાત્રિના સમયે તેઓ મોતીતળાવ, કુંભારવાડામાં રહેતી તેની દીકરી આશિયાનાના ઘરે રોકાવા ગયેલ ત્યારે રાત્રિના સમયે ૮ થી ૮ઃ૧૫ વાગ્યાના સમયે તેના જમાઈ નૌસાદભાઈ મુસ્તાકભાઈની રૂમ પર આવી તેના મામાનો દીકરો સોહિલ અતુલભાઈ રાવમા આવીને નૌસાદને ગાળો આપી આ રૂમ મારા દાદાની છે તેમ કહી રૂમમાંથી સામાન બહાર લાગ્યો હતો આથી નૌસાદએ ના પાડતા તેની સાથે મારામારી કરવા લાગેલ તે સમયે લોકો એકઠા થઈ જતા સોહિલ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ફરી ૧૫ મિનિટ પછી સોહિલ ધારીયુ લઈને આવ્યો હતો અને મકાન ખાલી કરવાનું કહી ઝરીનાબેનના જમાઈ નૌસાદને મારવા લાગતા તેઓ વચ્ચે પડ્યા હતા આથી સોહીલે તેમના પર ધારીયાનો ઘા કરતા તેમને ડાબી આંખ તથા કપાળના ભાગે ઇજા થઈ હતી. આ સમયે પણ લોકોના ટોળા એકઠા થઈ જતા સોહિલ તથા તેની સાથે આવેલા બે શખ્સોએ મારામારી કરી ગાળો આપી ચાલ્યા ગયેલ. ત્યારબાદ જરીનાબેનને ઇજાગ્રસ્ત હાલતે સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયેલ જ્યાં તેમણે સોહિલ સહીત ત્રણ શખ્સો સામે બોરતળાવ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૪, ૩૨૩, ૩૦૪, ૧૧૧ તથા ૧૧૪ મુજબ ગુનો દાખલ કરેલ દરમિયાન બે દિવસની સારવારમાં ઝરીનાબેનનું તારીખ ૧ માર્ચના રોજ મૃત્યુ થતા બનાવ હત્યામા પરિણામો હતો જેમાં પોલીસે આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરેલ. આ બનાવ અંગેનો કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ જોશીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષી સહિત ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીકટ જજ એલ.એસ. પીરજાદાએ આરોપી સોહિલને ૩૦૪ (૧) પાર્ટ મુજબ કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.અને રોકડ રૂપિયા ૨૦,૦૦૦નો દંડ કર્યો હતો જ્યારે આઈપીસી ૩૨૬ મુજબ ત્રણ વર્ષની કેદ અને રૂપિયા ૫૦૦નો દંડ ફટકાર્યો હતો.