પાલિતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ લોક વિદ્યાલય ફરી વિવાદમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે વાળુકડ લોક વિદ્યાલયમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અનાથ સગીરા ઉપર હોસ્ટેલના જ ગૃહપતિ તેમજ અન્ય એક શખ્સે એક સંપ કરી છેલ્લા ઘણા સમયથી સગીરા ઉપર દુષ્કર્મ આચરતા હોવાની ઘટના બહાર આવતા ભારે ખળભળાટ મચી જવા પામી હતી. આ અંગે અમદાવાદ બાળ વિકાસ ઘટક સંસ્થાના વર્ષાબેન નલીનભાઇ ભટ્ટે ગત તા.૧૬ નવેમ્બરના રોજ પાલીતાણા રૂરલ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ માહિતી મુજબ શ્રેયસ બાલ વિકાસ સંસ્થાના વર્ષાબેન નલીનભાઇ ભટ્ટે પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર વાળુકડ લોક વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલમાં રહી એક અનાથ વિદ્યાર્થીની છેલ્લા ઘણા સમયથી અભ્યાસ કરતી હતી. આ દરમિયાન લોક વિદ્યાલય વાળુકડ હોસ્ટેલનો ગૃહપતિ રાઘવ રામજીભાઇ ધામેલિયા (ઉ.વ.૬૫) તેમજ મિસ્ત્રી વિનુ નટુભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦)એ એક સંપ કરી અનાથ સગીરાનો એકલતાનો લાભ ઉઠાવી, મોબાઇલમાં વાત કરાવવાના બહાને તેમજ ફોસલાવી વિદ્યાર્થીની ઉપર છેલ્લા ઘણા સમયથી અવાર-નવાર દુષ્કર્મ આચરતા હતા. જે બાદ સગીરાને સાત માસનો ગર્ભ રહી જતા ભાડો ફૂટ્યો હતો.
જો કે, દુષ્કર્મની ફરિયાદ ૧૬ નવેમ્બરે નોંધાવા પામી હતી. જેમાં પ્રથમ આરોપી મિસ્ત્રી વિનુ નટુભાઇ ચૌહાણની પાલિતાણા પોલીસે ધરપકડ કરી હતી ત્યાર બાદ સગીરાએ પોતાના નિવેદનમાં હોસ્ટેલનો ગૃહપતિ અને મુખ્ય સુત્રધાર રાઘવ રામજીભાઇ ધામેલિયા પણ આ દુષ્કર્મ કાંડમાં સંડોવાયેલ હોવાનું જણાવતા પોલીસે તેની પણ ધરપકડ કરી જેલ હવાલે કરાયો છે. બંન્નેએ સગીરા ઉપર દુષ્કર્મ આચરતા સગીરાને સાત માસનો ગર્ભ રાખી દિધો હતો જે મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચતા કોર્ટે સગીરાને ગર્ભપાતની મંજુરી આપતા, સગીરાએ ગર્ભપાત કરાવ્યો હતો.