સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા નાગરિકને પણ દેશની શ્રેષ્ઠ હોસ્પિટલમાં સારવાર મળે તે હેતુથી આયુષ્યમાન યોજનાનો પ્રારંભ કરવામાં આવેલો છે, આ યોજનાનો ઉદ્દેશ ઉત્તમ છે, પણ તેની અમલવારીમાં અવારનવાર કચાશ જોવા મળી રહી છે. આયુષ્યમાન યોજના સાથે સંકળાયેલી ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોને ઈન્સ્યોરન્સ કંપની દ્વારા નાણાં નહીં ચૂકવાયાનું સામે આવ્યું છે. જેના પગલે ગુજરાતની ચેરિટેબલ- પ્રાઈવેટ સહિતની 400 હોસ્પિટલોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારતના દરેક નાગરિકની સારવાર માટે PMJAY આયુષ્યમાન યોજના ચાલે છે. મોટાભાગની હોસ્પિટલોમાં આ સેવા ઉપલબ્ધ છે. પરંતુ છેલ્લા ઘણા વખતથી આ યોજનાના અમલવારીમાં સમસ્યાઓ સામે આવી રહી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સૌપ્રથમ સમસ્યા આયુષ્યમાન કાર્ડ એક્ટિવ કાર્ડ હોતા નથી, અને એક્ટિવ હોય તો તે આયુષ્યમાન યોજનાના પોર્ટલ પર ખૂલતા નથી.
આયુષ્યમાન યોજનાના પોર્ટલ પર ખૂલતા નથી
આયુષ્યમાન યોજનામાં દરેક બિમારી માટે ખર્ચ ચૂકવણીની એક ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવેલી છે, પરંતુ અમુક બિમારી તથા ઓપરેશનના ચાર્જ ખૂબજ ઓછા રાખવામાં આવેલા હોવાથી ડોક્ટરો- હોસ્પિટલોને પણ સમસ્યા નડે છે. વિશ્વાસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 6 મહિના અગાઉ ગુજરાત સરકારે આયુષ્યમાન યોજનામાં ઈન્સ્યોરન્સની કામગીરી ઓરિએન્ટલ પાસેથી લઈને બજાજ એલિયાન્ઝને સોંપી દીધી છે.
આ ફેરફાર બાદ હોસ્પિટલોને દર્દીના સારવારના 6 મહિના બાદ પણ નાણા પરત મળી રહ્યા નથી. જુલાઈ મહિનાથી કોઈ ચૂકવણી નહીં કરવામાં આવતાં એક ચેરિટેબલ હોસ્પિટલના રૂપિયા 17લાખથી વધુના ચૂકવણા બાકી છે, ક્લેઈમ મંજૂર થયાના 6 મહિના બાદ પણ હોસ્પિટલોને ઈન્સ્યોરન્સ કંપની દ્વારા નાણા માટે ઠાગા ઠૈયા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ ચેરિટેબલ હોસ્પિટલને સ્ટાફનો પગાર, લાઈટ અને બિલની ચૂકવણીમાં ભારે સમસ્યા નડી રહી છે.