જમ્મુ- કાશ્મીરના પુંછમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ અખનૂરમાં આતંકીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આપણી સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓ પર ગોળીબાર કર્યો છે. જે બાદમાં 4 આતંકીઓની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. સેનાના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ મૃતદેહને પાછળ ખેંચતા જોવા મળ્યા છે.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુના અખનૂરમાં સર્વેલન્સ ડિવાઈસ દ્વારા 4 આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિઓ જોવામાં આવી હતી, જેના પછી સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. સેનાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ એક લાશને આંતરરાષ્ટ્રીય સરહદ પાર ખેંચતા જોવા મળ્યા હતા.
ભારતીય સેનાની 16મી કોર્પ્સ, જેને વ્હાઇટ નાઈટ કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે આ ઘટના વિશે માહિતી આપી. ભારતીય સેનાની 16મી કોર્પ્સે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે, અખનૂરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે અમારા સર્વેલન્સ ડિવાઇસ દ્વારા 4 શંકાસ્પદ આતંકવાદીઓને જોવામાં આવ્યા હતા. આ પછી અમારી બાજુથી ગોળીબાર થયો હતો. આતંકવાદીઓ એક મૃતદેહને આંતરરાષ્ટ્રિય સરહદ પાર ખેંચતા જોવા મળ્યા હતા.
સેનાના જવાનોએ ચાર ઘૂસણખોરોને આંતરરાષ્ટ્રીય સરહદથી વાયર તરફ આવતા જોયા ત્યારબાદ તેઓએ તેમના પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં એક ઘૂસણખોર પણ માર્યો ગયો હતો, જેની લાશને આતંકીઓ ખેંચી જતા જોવા મળ્યા હતા. આ ઘૂસણખોરોને પાકિસ્તાન તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું હતું. તે સમયે આ ઘૂસણખોરો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાકિસ્તાની સેનાએ ભારતીય સૈનિકોનું ધ્યાન હટાવવા માટે તેની એક પોસ્ટને આગ લગાવી દીધી હતી. જોકે પાકિસ્તાનની આ ષડયંત્ર સફળ ન થઈ અને સૈનિકોએ તરત જ ઘૂસણખોરો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં એક ઘૂસણખોર માર્યો ગયો.