ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ભારતીયો સાથે એક વિમાન ડિટેઈન કરાયા બાદ ફ્રેન્ચ ઓથોરિટીએ પૂછપરછ કરીને વિમાનને જવાની મંજૂરી આપી છે. આ વિમાન કદાચ નિકારાગુઆ જશે અથવા તો ભારતીયોને પરત મુંબઈ લાવવામાં આવે તેવી શક્યતા છે. ભારતીય દૂતાવાસે કોઈ સ્પષ્ટતા નથી કરી. આ લોકો અમેરિકામાં ગેરકાયદે ઘુસવા માંગતા હતા તેમ માનવામાં આવે છે.
દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા વિમાનને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ડિટેઈન કરાયા પછી ફ્રાન્સ સરકારે આ વિમાનને ઉડવાની મંજૂરી આપી છે. આ વિમાનમાં 303 પ્રવાસીઓ હતા જેમાંથી મોટા ભાગના ભારતીયો હતા. આ વિમાનમાં લગભગ 94 ગુજરાતીઓ પણ હતા. વિમાનમાં કેટલાક બાળકો પણ હતા જેમની સાથે તેમના કોઈ વાલી કે વડીલ ન હતા. ફ્રેન્ચ ઓથોરિટીને ફરિયાદ કરવામાં આવી હતી કે આ ચાર્ટર્ડ વિમાનનો ઉપયોગ હ્યુમન ટ્રાફિકિંગ માટે થઈ રહ્યો છે તેથી ઓથોરિટીએ એરપોર્ટ પર ત્રણ દિવસ વિમાનને ગ્રાઉન્ડેડ રાખ્યું હતું. હવે આ વિમાનને આજે ઉડવાની મંજૂરી અપાઈ છે તેથી તેઓ નિકારાગુઆ જાય અથવા ભારત પરત આવે તેવી શક્યતા છે.