ડ્રગ્સ રેકેટને લઈને ATS અને પંજાબ પોલીસની અમદાવાદમાં તપાસ ચાલી રહી છે. ચાંગોદરની ગ્લાસ ફાર્માસ્યૂટિકલ કંપનીમાં તપાસ કરાઈ રહી છે. ગુજરાત ATS અને પંજાબ પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.નશાયુક્ત કેપ્સુલ સહિત 14.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ ડ્રગ્સ રેકેટના તાર ગુજરાત સુધી લંબાતા તપાસ કરાઈ રહી છે. ફેક્ટરીમાંથી ટ્રામાડોલ નામની દવાનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. પંજાબ પોલીસ 2 આરોપીની ધરપકડ કરી તપાસ માટે સાથે લઈ ગઈ છે. આપને જણાવીએ કે, ડ્રગ્સ રેકેટમાં અત્યારસુધીમાં 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના આદેશ બાદ શરૂ કરાયેલા ડ્રગ્સ વિરૂદ્ધ અભિયાનમાં ફાર્મા ઓપિયોઇડ્સ સામેની એક મોટી ગુપ્ત માહિતીના આધારે પંજાબ પોલીસે ગેરકાયદેસર ઓપિયોઇડ ઉત્પાદન અને પુરવઠા એકમોના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આવેલી ફાર્મા ફેક્ટરીઓમાંથી સપ્લાય આવી રહ્યો હતો. પોલીસે દરોડામાં ગેરકાયદે ઓપીયોઇડ ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે. અમૃતસર સિટી પોલીસે પ્રિન્સ કુમાર નામના સ્થાનિક ડ્રગ સ્મગલરની ધરપકડ કર્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.