ગુજરાત નજીક અરબ સાગરમાં હાઇઍલર્ટની સ્થિતિ છે. અરબી સમુદ્રમાં ભારતે યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દીધી છે. એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલા બાદ ભારતે અરબી સમુદ્રમાં 3 યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. નેવીએ આ વિસ્તારમાં યુદ્ધજહાજ INS મોર્મુગાઓ, INS કોચી અને INS કોલકાતા તૈનાત કરી છે. નેવીએ કહ્યું છે કે, લોંગ રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ P8I પણ તૈનાત કરવામાં આવ્યું છે.
નોંધનિય છે કે, શનિવારે પોરબંદરથી લગભગ 217 નોટિકલ માઈલ દૂર 21 ભારતીય ક્રૂ મેમ્બર્સને લઈ જતા કોમર્શિયલ જહાજ એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજને મદદ પૂરી પાડવા માટે અનેક જહાજો તૈનાત કર્યા હતા.
આ તરફ એમવી કેમ પ્લુટો નામનું જહાજ મુંબઈ બંદરે પહોંચ્યું છે. નૌકાદળે તેનું પ્રારંભિક નિરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે, ભારતના પશ્ચિમી દરિયાકાંઠે તેના પર ડ્રોન હુમલો થયો હતો, પરંતુ જ્યાંથી હુમલો થયો હતો અને તેના માટે વિસ્ફોટકોનો કેટલો જથ્થો વપરાયો હતો તે ફોરેન્સિક અને તકનીકી તપાસ પછી જ જાણી શકાશે.
નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જહાજના આગમન પર ભારતીય નૌકાદળની વિસ્ફોટક વિરોધી ઓર્ડનન્સ ટીમે હુમલાના પ્રકાર અને પ્રકારનું પ્રારંભિક મૂલ્યાંકન કરવા માટે જહાજનું નિરીક્ષણ કર્યું હતું. હુમલાના વિસ્તારની તપાસ અને જહાજ પર મળેલા કાટમાળથી સંકેત મળે છે કે, તે ડ્રોન હુમલો હતો. જોકે તેમણે કહ્યું કે, હુમલાના પ્રકાર અને ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકોની માત્રા નક્કી કરવા માટે ફોરેન્સિક અને ટેકનિકલ વિશ્લેષણની જરૂર પડશે.