દેશ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ સવાલ ઉઠાવ્યો છે કે શું રામ મંદિર જ અસલી મુદ્દો છે? તેમને કહ્યું કે શિક્ષણ, રોજગાર, અર્થવ્યવસ્થા, મોંઘવારી અને સ્વાસ્થ્યના મુદ્દા રામ મંદિર કરતા પણ મોટા છે. આ મુદ્દાઓ પર વાતચીત થવી જોઈએ. પિત્રોડા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ છે. તેઓ ગાંધી પરિવારના ખૂબ નજીકના ગણાય છે. આ વાત તેમને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી.
સામ પિત્રોડાએ કહ્યું, ‘મને કોઈ ધર્મ સાથે કોઈ વાંધો નથી… પ્રસંગોપાત મંદિરમાં દર્શન માટે જવું ઠીક છે… પરંતુ તમે તેને મુખ્ય સ્ટેજ બનાવી શકતા નથી. 40 ટકા લોકો ભાજપને મત આપે છે. 60 ટકા લોકો ભાજપને વોટ નથી આપતા. તેઓ દરેકના વડા પ્રધાન છે, તેઓ કોઈ પક્ષના વડા પ્રધાન નથી અને ભારતના લોકો વડા પ્રધાન પાસેથી આ જ સંદેશ ઇચ્છે છે.
પિત્રોડાએ વધુમાં કહ્યું કે, તમે બેરોજગારીની વાત કરો છો, તમે મોંઘવારી પર વાત કરો છો, તમે વિજ્ઞાન અને ટેક્નોલોજી અને પડકારો પર વાત કરો છો. તેઓએ નક્કી કરવાનું છે કે વાસ્તવિક મુદ્દા શું છે – શું રામ મંદિર વાસ્તવિક મુદ્દો છે કે બેરોજગારી વાસ્તવિક મુદ્દો છે? શું રામ મંદિર વાસ્તવિક મુદ્દો છે કે મોંઘવારી વાસ્તવિક મુદ્દો છે? શું રામમંદિર વાસ્તવિક મુદ્દો છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વાસ્તવિક મુદ્દો છે?
વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા EVM મુદ્દે અને વોટિંગ મશીનમાં ગોટાળાની શક્યતા અંગે સામ પિત્રોડાએ કહ્યું હતું કે દેશમાં હાલમાં જે EVM મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે તે એકલા મશીનો નથી. સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે EVMમાં VVPAT ઉમેરવામાં આવ્યું. VVPAT એ એક અલગ ઉપકરણ છે જેમાં સોફ્ટવેર અને હાર્ડવેરનો સમાવેશ થાય છે. VVPATને કારણે સવાલો ઉઠી રહ્યા છે.