અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવા નિર્માણ પામેલા મંદિરમાં 22 જાન્યુઆરીએ બિરાજમાન થશે. અયોધ્યામાં 15 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા સહિત 8 દિવસ સુધી ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાશે.15મીથી વિવિધ કાર્યક્રમોની શરૂઆત થશે. હાલ કાર્યક્રમોની માહિતી પણ સામે આવી છે.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનું શુભ મુહૂર્ત નિર્ધારીત કરાયું છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ નવનિર્મિત રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે 84 સેકન્ડનું નાનુ મુહૂર્ત કઢાયું છે, જેમાં મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરાશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ મુહૂર્ત કઢાયું છે. પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત બપોરે 12 કલાક 29 મિનિટ 8 સેકન્ડે શરૂ થઈ 12 કલાક 30 મિનિટ 32 સેકન્ડ સુધી રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પૂજા-અર્ચના પૂરી કરાશે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં 5 લોકો ઉપસ્થિત રહેશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રામ મંદિરની મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ ઉપસ્થિત રહેશે.
મકર સંક્રાંતિ બાદ 15 જાન્યુઆરીથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ જશે. ખરમાસ પૂર્ણ થયા બાદ મંદિરમાં પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓની શરૂઆત થશે. 15 જાન્યુઆરીએ રામલલાની બાળ સ્વરૂપની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપીત કરાશે. અયોધ્યામાં 3 સ્થળો પર આવી મૂર્તિઓઓ સ્થાપીત કરાશે. આ 3 મૂર્તિઓમાંથી એક મૂર્તિની પસંદ પણ કરાઈ છે. 16 જાન્યુઆરીએ મૂર્તિઓની ધાર્મિક-વિધિઓ શરૂ થશે. આ કાર્યક્રમને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા યોજાનાર પ્રથમ કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે.
17 જાન્યુઆરીએ રામલલા નગરચર્યાએ નિકળશે, ત્યારબાદ પ્રાણપ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. 18 જાન્યુઆરીથી પ્રાણપ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. 19 જાન્યુઆરીએ રામ મંદિરમાં યજ્ઞ અગ્નિ કુંડની સ્થાપના કરાશે. 20 જાન્યુઆરીએ ગર્ભગૃહના 18 કળશો સરયૂના પવિત્ર જળથી સ્વચ્છ કર્યા બાદ વાસ્તુ પૂજા થશે. 21 જાન્યુઆરીએ તીર્થસ્થાનોના 125 કળશોના પવિત્ર જળથી રામલલાની સ્નાન વિધિ યોજાશે. છેલ્લે 22 જાન્યુઆરીએ મધ્યાહન મૃગશિરા નક્ષત્રમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય યજમાન રહેશે.
રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો સંપૂર્ણ કાર્યક્રમ
15 જાન્યુઆરી – રામલલાના મૂર્તિનું મંદિરમાં સ્થાપન
16 જાન્યુઆરી – રામલલાની મૂર્તિના અધિવાસની ધાર્મિક વિધિ
17 જાન્યુઆરી – રામલલાની મૂર્તિની નગરચર્યા
18 જાન્યુઆરી – પ્રાણપ્રતિષ્ઠાની ધાર્મિક વિધિનો શુભારંભ
19 જાન્યુઆરી – યજ્ઞ અગ્નિકુંડની સ્થાપના
20 જાન્યુઆરી – સરયૂના પવિત્ર જળ ભરેલા 81 કળશોથી ગર્ભગૃહ સ્વચ્છ કરાશે, વાસ્તુ પૂજા
21 જાન્યુઆરી – તીર્થસ્થાનોના 125 કળશોના પવિત્ર જળથી રામલલાની સ્નાન વિધિ
22 જાન્યુઆરી – પ્રભુ રામલલાના નવા મંદિરના ગર્ભગૃહમાં પ્રાણપ્રતિષ્ઠા