ગુજરાત સરકારે ૨૦૦૨ના ગોધરા ટ્રેન હત્યાકાંડ અને ત્યારપછીનાં રમખાણોના કેસોની તપાસ કરવા માટે નિયુક્ત કરેલી વિશેષ તપાસ ટીમની સુપ્રીમ કોર્ટના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણોને આધારે ૯૫ સાક્ષીઓનું સુરક્ષા કવચ પાછું ખેંચી લીધું છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એસઆઇટીના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણના આધારે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા નિવૃત્ત જજ અને રમખાણ પીડિતોના કેસ લડતા વકીલને આપવામાં આવેલું સુરક્ષા કવચ પણ પાછું ખેંચી લીધું છે.
અમદાવાદ પોલીસે નરોડા ગામ, નરોડા પાટિયા અને ગુલબર્ગ સોસાયટી જેવા વિવિધ રમખાણોના ૯૫ સાક્ષીઓને આપવામાં આવેલી પોલીસ સુરક્ષા પાછી ખેંચી લીધી છે. સુરક્ષા કવચ ગુમાવનારાઓમાં ૫૪ વર્ષીય ફરીદા શેખનો પણ સમાવેશ થાય છે, જેમણે નરોડા પાટિયા રમખાણ કેસમાં કોર્ટ સમક્ષ જુબાની આપી હતી. ફરીદા શેખે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, અમારા જેવા લોકોને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. એક સશસ્ત્ર પોલીસ સવારથી સાંજ સુધી મારા ઘરની બહાર ચોકીદારી રાખતો હતો. ૨૬મી ડિસેમ્બરે મને શહેર પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મારું સુરક્ષા કવચ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. નથી મને કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અન્ય ઘણા સાક્ષીઓ સાથે આવું બન્યું છે. અમે ડરમાં જીવીએ છીએ કારણ કે ઘણા આરોપીઓ હજુ બહાર છે અને તેઓ હજુ પણ અમને નુકસાન પહોંચાડી શકે છે એવી ચિંતા શેખે વ્યક્ત કરી હતી. ગુલબર્ગ સોસાયટીના પીડિતો વતી કોર્ટમાં હાજર થયેલા એડવોકેટ એસએમ વોરાએ પણ તાજેતરમાં તેમનું સુરક્ષા કવચ ગુમાવ્યું છે.