ભાવનગરમાં હીરાનો વેપાર કરતા ત્રણ વેપારીઓ પાસેથી વર્ષ ૨૦૨૦ માં રૂ.૭૬ લાખની કિંમતના હીરાની ખરીદી કર્યા બાદ સુરતમાં રહેતા હીરાના ૦૪ ધંધાર્થીઓએ ઉઠમણું કરી ખરીદ કરેલ હીરાની રકમની ચુકવણી ન કરતા ભાવનગરના હીરાના વેપારીએ ચારેય વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ગૌતમેશ્વરનગર, પ્લોટ નં. ૫૯,બેન્ક કોલોની, ચિત્રામાં રહેતા અને કુમુદવાડીમાં હીરાની ઓફિસ ધરાવતા બળદેવભાઈ હિંમતભાઈ સોલંકી એ નિલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મિત્ર રણજીતભાઈ વનરાજભાઈ ચાવડા (રહે.ભાવનગર) તથા દિલીપભાઈ સવજીભાઈ સાકરીયા (રહે. હાલ સુરત) સાથે મળીને હીરાનો વેપાર કરતા હતા તેમજ ત્રણેય મિત્રો અલગ અલગ દલાલ મારફતે ભાવનગર ખાતે આવેલ વિજયરાજનગર, દીપ દર્શન કોમ્પલેક્ષમાં હીરાની સંયુક્ત ઓફિસ ધરાવતા વેપારીઓ હસમુખભાઈ તળશીભાઇ ગાબાણી, કાંતિભાઈ તળશીભાઇ ગાબાણી, નરેશભાઈ હરજીભાઈ ગાબાણી અને વિજયભાઈ હરજીભાઈ ગાબાણી (હાલ રહે. તમામ સુરત) સાથે હીરાનો વેપાર કરેલ હતો.
દરમિયાન તા.૨૩/૦૧/૨૦૨૦ થી ૦૨/૦૭/૨૦૨૦ દરમિયાન બળદેવભાઈ પાસેથી રૂ.૩૫,૮૫,૧૧૪, રણજીતભાઈ વનરાજભાઈ ચાવડા પાસેથી રૂ. ૨૫,૫૦,૦૫૩ તેમજ દિલીપભાઈ સવજીભાઈ સાકરીયા પાસેથી ૧૪,૭૪,૦૪૬ મળી સ્કૂલ રૂ.૭૬,૦૯,૨૧૩ ની કિંમતના ૭૮૪.૪૧ કેરેટ હીરાની ખરીદી કર્યા બાદ આ ચારેય ઈસ્મોએ બાકી રકમનું ચૂકવવાનું નહીં કરી હીરા તેમજ રૂપિયા ઓળવી જઈ ઉઠમણું કરી નાસી ગયા હતા. નીલમબાગ પોલીસે ચારેય શખ્સ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.