સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર ખાનગી પીકઅપ ગાડીમાં બેસીને ઘેર જતી શાળાની માસૂમ છ વિદ્યાર્થીનીઓની ચાલુ ગાડીમાં જ છેડતી થતાં ચાલુ ગાડીમાંથી વિદ્યાર્થીનીઓ રોડ પર કૂદી પડી હતી.
સીન્દ્રા ગામની શાળામાં અભ્યાસ કર્યા બાદ ગત બપોરે કેટલીક વિદ્યાર્થીનીઓ કુંડીયા ગામે જવા માટે કોસીન્દ્રા ગામના બસ સ્ટેન્ડ પર ઊભી હતી, બસની લાંબો સમય રાહ જોયા છત્તાં બસ આવી ન હતી, ત્યારે ત્યાંથી પસાર થતી એક ખાનગી પીકઅપ જીપના ડ્રાયવરે પોતાની કાર ઉભી રાખી હતી અને વિદ્યાર્થીનીઓ આ કારમાં સવાર થઈ હતી. પીકઅપ જીપમાં આગળની કેબિનમાં ડ્રાઈવર સહિત ત્રણ તેમજ પાછળ બે અન્ય વ્યક્તિઓ બેઠી હતી.
વિદ્યાર્થીનીઓ બેસી ગયા પછી ડ્રાઈવરે પૂરપાટ ઝડપે ભગાવી હતી. આ વખતે ચાલુ ગાડીમાંથી જ કેબિનમાં બેસેલી બે વ્યક્તિઓ પાછળની સાઈડ પર આવી હતી. આમ પાછળ કુલ ચાર શખ્સોએ ભેગા મળીને શાળાના યુનિફોર્મમાં ઘરે જઈ રહેલી વિદ્યાર્થીનીઓના શરીરના ભાગે અડપલા કરવાનું શરૂ કર્યું હતું.
વિદ્યાર્થીનીઓની આ બૂમા-બૂમ સાંભળીને ડ્રાઈવરે વધુ સ્પીડથી ગાડી ભગાવી હતી, જેથી ગભરાઈ ગયેલી છ વિદ્યાર્થીનીઓ એક સાથે ચાલુ પીકઅપ ગાડીમાંથી કૂદકો મારી દેતા રોડ પર પટકાઈ હતી. આ પીકઅપ જીપે પણ વિદ્યાર્થીનીઓનાં કૂદી પડવાની ઘટના બાદ પલ્ટી મારી હતી. બે વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રીફર કરાઈ હતી.જ્યારે અન્ય ચારને નસવાડી સી.એચ.સી.માં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.આ ઘટનાનાં પગલે કુંડીયા ગામના વાલીઓ નસવાડી દવાખાને પહોંચ્યા હતા.તેમજ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.નસવાડી પોલીસ પણ દવાખાને પહોંચીને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી.