ગુજરાતમાં ધીમે ધીમે પારો ગગડી રહ્યો છે. નવા વર્ષના દિવસથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. કચ્છનું નલિયા ત્રણ ડિગ્રી જેટલા ઘટાડા સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. નલિયામાં લઘુતમ તાપમાન ૮ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા આગામી પાંચ દિવસ હવામાન મોટાભાગે સૂકુ રહી શકે છે.
છેલ્લા કેટલાક દિવસોમાં નલિયામાં પારો ૮.૫ થી ૧૨.૫ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે. મંગળવારે નલિયામાં ૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઓછું તાપમાન ધરાવતું મથક બન્યું હતું. અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી આસપાસ છે. જેના કારણે સવારે ઠંડી લાગે છે, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે. હાલમાં ચાર-પાંચ દિવસ તાપમાન વધુ ફેરફાર થવાની સંભાવના નથી. અરબી સાગર અને બંગાળની ખાડીમાંથી આવેલા ભેજના કારણે હાલમાં તાપમાનમાં વધુ ઘટાડો થયો નથી. હાલમાં ભેજ નીચેના લેવલ પર હોવાના કારણે સવારે ધુમ્મસ છવાયેલું રહે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ડિસેમ્બર મહિનામાં તાપમાન વધુ રહેવાને કારણે ઠંડી ઓછી પડી છે.પરંતુ હવે જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન સામાન્ય રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. હવે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે.