સમગ્ર સૌરાષ્ટ્રની સાથે ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી ફરીથી ઠંડીની તિવ્રતામા વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થવા ઉપરાંત ટાઢોબોળ પવન સાથે ભેજનુ પ્રમાણ વધતા ઠંડીની સાથે આજે સવારે ગાઢ ધુમ્મસ પણ છવાયુ હતું.
જેના લીધે હાઇવે પર વાહનો ચલાવવામાં મૂશ્કેલીઓ પડી હતી. જોકે ગાઢ ધુમ્મસ સાથેનુ સવારનુ વાતાવરણ ખુશનુમા રહ્યું હતું અને લોકોએ કાશ્મીર જેવો અનુભવ કર્યો હતો.
કાશ્મીર સહિત ઉતર ભારતમાં થયેલી હીમવર્ષાના કારણે મોટાભાગના રાજ્યોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. અને મોટાભાગના શહેરોમાં તાપમાન માઇનસ ડિગ્રી થઈ જવા પામ્યુ છે. ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા બાદ શરૂ થયેલા ઉતરીય ટાઢાબોળ પવનના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં નલીયા, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાધીનગર સહિત શહેરમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જ્યારે ભાવનગર શહેરમાં પણ બે દિવસમાં લધુતમ તાપમાન ઘટીને ૧૬.૨ ડિગ્રીએ પહોચ્યુ છે. સાથોસાથ સરેરાશ ૯૪% ભેજનુ પ્રમાણ રહેતા લોકોએ ઠારનો અનુભવ કર્યો હતો. ગત રાત્રીથી સરેરાશ ૧૪ કીમીની ઝડપે ફૂકાયેલા સુસવાટા મારતા પવનના કારણે લોકોએ શિયાળાની કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.
શહેર અને સમગ્ર જિલ્લામાં આજે સવારથી જ શહેરમાં કાતિલ ઠંડી સાથે ધુમ્મસ છવાયુ હતુ. અને સુર્યપ્રકાશ પણ મોડો શરૂ થયો હતો. વાતાવરણમાં છવાયેલા ગાઢ ધુમ્મસના કારણે હાઇવે પર અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. અને લોકોએ હિલ સ્ટેશન પર હોવાનો અનુભવ કર્યો હતો. જોકે હાઇવે પર ૩૦-૪૦ ફુટ દુરનુ વાહન પણ ન દેખાવાના કારણે લાઈટો શરૂ રાખી વાહનો ચલાવતા લોકો નજરે ચડ્યા હતા. સૌરાષ્ટ્ર પંથકમાં કાતિલ ઠંડી પડતા જીરૂ સહિત વાડી ખેતરોમાં વાવેલ શિયાળુ પાકને ફાયદો થશે તેવું અનુમાન છે.