મહારાષ્ટ્ર ISIS મૉડ્યૂલ કેસની તપાસ કરી રહેલા NIAએ મોટો ખુલાસો કર્યો છે. 4000 પાનાના આરોપ પત્રમાં NIAએ ધરપકડ કરેલા આરોપીઓ દ્વારા દેશમાં ઇસ્લામિક સંગઠનને સ્થાપિત કરવાના પ્રયાસોની જાણકારી આપી છે. મોટી વાત એ છે કે કાશ્મીરમાં ISIS માટે જમીન તૈયાર કરવાનું કામ મુંબઇનો એક યુવક તાબિશ નસીર સિદ્દીકી કરી રહ્યો હતો.
તાબિશ નસીર સિદ્દીકી મુંબઇના ભાયખલાનો રહેવાસી છે. તાબિશ મહારાષ્ટ્રના ISIS મૉડ્યૂલ કેસમાં આરોપી નંબર વન છે. NIAએ તાજેતરમાં દાખલ કરેલા આરોપ પત્રમાં જણાવ્યું કે તાબિશ સિદ્દીકી કાશ્મીરમાં ISIS માટે જમીન તૈયાર કરવાનું કામ કરતો હતો. NIA અનુસાર તાબિશ વર્ષ 2018માં કાશ્મીરના કુપવાડામાં એક અઠવાડિયા સુધી રોકાયો હતો. ત્યાથી તેને ISISના ઇમેલ દ્વારા કાશ્મીરની સ્થિતિની સાથે કાશ્મીરમાં ISISનું સંગઠન ઉભુ કરવાનો પ્લાન પણ મોકલ્યો હતો.
આ કેસને લઇને પૂર્વ આઇપીએસ પીકે જૈને કહ્યું કે, દેશ માટે આ ઘણો ખતરો ધરાવતી વાત છે. જો આ રીતનું મૉડ્યૂલ એક એવા સ્ટેટમાં સ્થાપિત થઇ ગયું જ્યા ઘણા સમયથી આતંકી વિચારધારા, ભારત વિરોધી વિચારધારા ઘણા લાંબા સમય સુધી ચાલતી હતી તો આ દેશ માટે મોટો ખતરો સાબિત થઇ શકે છે.
NIAએ તાબિશ સહિત કુલ છ શંકાસ્પદ આતંકીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર હજાર પાનાના આરોપ પત્રમાં મુંબઇ પાસે આવેલા થાણે જિલ્લાના પડઘા બોરીવલી ગામ વિશે ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. NIAનો દાવો છે કે ધરપકડ કરવામાં આવેલો આરોપી પડઘા બોરીવલી ગામને મુલ્ક શામ એટલે કે ગ્રેટર સીરિયા માને છે. ત્યા 95 ટકા મુસ્લિમ રહે છે અને સૌથી મોટી વાત એ છે કે કોઇ પણ વિવાદ થવા પર ત્યાના વૃદ્ધ ખુદ જ નિર્ણય કરે છે. આટલું જ નહીં, કોરોના કાળમાં પણ ત્યાની મસ્જિદ અને સ્કૂલ બંધ થયા નહતા. પડઘાની નાની મસ્જિદમાં મુસ્લિમ યુવકોને ISIS સાથે જોડવા માટે મીટિંગ પણ થતી હતી.
થાણે જિલ્લાનું પડઘા બોરીવલી ગામ વર્ષોથી સુરક્ષા એજન્સીઓની રડાર પર છે, જેનું કારણ સાકિબ નાચન, જે મુંબઇમાં બોમ્બ વિસ્ફોટનો આરોપી પણ રહી ચુક્યો છે. સાકિબ નાચનને તાજેતરમાં NIAએ ધરપકડ કરી છે. NIAએ મહારાષ્ટ્ર ISIS મૉડ્યૂલ કેસમાં તાબિશની સાથે છ આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે, તે વર્ષ 2015માં એક બીજાના સંપર્કમાં આવવાના શરૂ થયા હતા, તેના માટે તેમણે “Unity of Muslim Ummah”, “Important” અને “Meem” જેવા ગ્રુપ પણ બનાવ્યા હતા.