ઓનલાઈન પાર્ટટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં અલગ-અલગ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની લાલચ આપી છેતરપિંડી કરતી ઠગ ટોળકીના 5 આરોપીને વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષમાં ટાસ્ક ફ્રોડનો 500થી વધુ લોકો શિકાર બન્યા છે અને 60થી વધુ આરોપીને ઝડપી પાડ્યા છે.
ભોગ બનનારને ટેલિગ્રામ પરથી સંપર્ક કરી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી પાર્ટ ટાઈમ જોબના નામે પૈસા કમાવવાની લાલચ આપી થોડા રૂપિયા પરત આપે છે. ત્યારબાદ નવા ટાસ્ક આપવા માટે અલગ ટેલિગ્રામ ગ્રુપમાં જોડવામાં આવે છે. રોજ 25 જેટલા ટાસ્ક આપીને 1,500થી 3,000 રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવે છે.
આ રીતે ટાસ્ક પૂર્ણ કરીને બીજા યૂઝર્સ મોટી રકમ કમાયા છે તેવા સ્ક્રીનશૉટ્સ ટેલિગ્રામ ગ્રુપમાં મુકી ભોગ બનનારને વિશ્વાસમાં લેવામાં આવે છે. પ્રીમિયમ ટાસ્કના બહાને અલગ ગ્રુપમાં જોડી લિંક દ્વારા ક્રિપ્ટોમાં રોકાણ કરાવીને કમિશન કમાવવાની લાલચ આપવામાં આવે છે. ભોગ બનનાર દ્વારા જ્યારે ક્રિપ્ટો વોલેટમાં દેખાતી રકમ વીડ્રો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે રકમ વીડ્રો થતી નથી. ભોગ બનનાર ઉધારીમાં કે લોનથી નાણાં લઈને પણ ભરતા રહે છે અને જ્યાં સુધી કંગાળ ન થાય ત્યાં સુધી અટકતા નથી.
સમગ્ર ગુનો કરવા માટે અલગ અલગ વોટ્સએપ નંબર, ટેલિગ્રામ આઇ.ડી.નો ઉપયોગ કરવામાં આવે છે. ભોગ બનનાર થોડા રૂપિયા કમાવવાની કે વર્ચ્યુલી વૉલેટમાં દેખાતા રૂપિયા કાઢવાની લાલચમાં હજારો ગણા રૂપિયા આપતા પહેલા વિચારતા નથી કે, કમાવાની જગ્યાએ તેઓ નાણાં સામેથી આપી રહ્યા છે.