ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર માર્કેટિંગ યાર્ડની એક દાયકા બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાનું મુહૂર્ત આવ્યું છે જેમાં ખેડૂત મત વિભાગ અને વેપારી મત વિભાગની કુલ ૧૪ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ વિતરણ તથા ભરી પરત આપવા માટે આજે તા.૪ના રોજ એક દિવસનો સમય અપાયો છે. અને ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે.
ભાવનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છેલ્લા ૨૦૧૩ બાદ પ્રમુખ, ઉપપ્રમુખ માટેની ચૂંટણી પ્રક્રિયા કરાઇ નથી. ૨૦૧૩માં ચૂંટાયેલ બોડીની મુદત પૂર્ણ થયા બાદ વહિવટદાર અને બાદ નિયામક નિયુક્ત બોડી અને ત્યારબાદ ફરી વહિવટદાર છેલ્લા બે વર્ષથી યાર્ડનો વહિવટ ચાલી રહ્યો છે. આમ કુલ ૧૦ વર્ષના લાંબા અંતરાય બાદ ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ચૂંટણી આપવામાં આવી છે. જેમાં ભાવનગર યાર્ડમાં ખેડૂત વિભાગમાં કુલ ૧૦ બેઠકો અને વેપારી વિભાગમાં ૪ બેઠકો માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં ઓક્ટો.માં ચૂંટણી જાહેરાત થયા બાદ મતદાર યાદી તૈયારી કરવાની કામગીરી શરૂ કરાઇ હતી જેમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભાવનગરના અધિકારીને ચૂંટણી કાર્યવાહી માટે નિયુક્ત કરાયા છે. મતદાર યાદી તૈયાર કરી વાંધા સહિતની કામગીરી બાદ ખેડૂત વિભાગમાં ૮૧૬ મતદારો અને વેપારી વિભાગમાં ૧૫ મતદારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જો કે, ચૂંટણી માટે ખેડૂત વિભાગમાં ૧૦ સીટો અને વેપારી વિભાગમાં ૪ સીટો માટે ઉમેદવારી પત્ર ભરવાની અને ભરીને પરત કરવા માટે આજે તા.૪ના રોજ ૧૧ થી ૫નો સમય નિશ્ચિત કરાયો છે. અને ઉમેદવારી પત્ર માર્કેટીંગ યાર્ડ પરથી મેળવી ભરી પરત કરાઇ રહ્યા છે. જ્યારે આવતીકાલે તા.૫ના રોજ મતદાર યાદીનું આખરી પ્રકાશન તેમજ નિયુક્તિ પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. આમ ૧૦ વર્ષ બાદ યોજાતી ભાવનગર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઇ ખેડૂત વિભાગમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.