ભાવનગરમાં એક તરફ સરિતા શોપિંગ સેન્ટરનો કેટલોક ભાગ તોડી પાડવા મ્યુ. તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે ત્યાં બીજી બાજુ તરસમિયા વિસ્તારમાં મેગા ડીમોલેશન હાથ ધર્યું હતું, ધાર્મિક દબાણો હટાવવા ના હોવાથી ઓપરેશન ગુપ્ત રખાયું હતું જયારે પોલીસનો બંદોબસ્ત પણ મેળવાયો હતો.
તરસમિયાં ટીપી સ્કીમ નં.13માં જાહેર રસ્તા પર અડચણરૂપ બને તે રીતે ગેરકાયદે ચણાયેલ મકરાણી શાપીરની 3 દરગાહ તથા અન્ય રહેણાંકના બાંધકામ હટાવવા 3 જેસીબી સાથે ટાઉન પ્લાનિંગ વિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું અને બાંધકામ તોડી પડાયા હતા. 12 મીટર અને 21 મીટરના રોડ પર જુદા જુદા દબાણો પર તંત્રએ કાર્યવાહી કરી હતી.
દરગાહનું ડીમોલીશન અટકાવવા કોર્ટમાં દાદ મંગાઈ હતી, આ કેસમાં કોર્પોરેશનને નિયમ મુજબ કાર્યવાહી કરવા મંજૂરી મળતાં જ ઓપરેશન હાથ ધરાયું હતું. કોઈ અનિચ્છનિય બનાવ બને નહિ એ માટે dysp, pi, psi અને 20થી વધારે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રહ્યો હતો. કોર્પોરેશનના 25થી વધુ સ્ટાફનો કાફલો પણ જોડાયો હતો.