અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્વસનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની ગર્ભગૃહમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક વીવીઆઈપીને આમંત્રણ અપાયું છે. ભાજપની સાથે સાથે દેશની મોટી પાર્ટીઓને પણ આ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ છે. એવા સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ પણ રામ મંદિરના દર્શન કરવા જશે. પરંતુ તે 22મી જાન્યુઆરીએ જવાની નથી.
એવું મનાઈ રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ 22 જાન્યુઆરી પહેલા રામ મંદિરે દર્શન કરી શકે છે. હજુ સુધી કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા તેને લીલી ઝંડી આપવામાં આવી છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગેને રામ મંદિર કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે એ આમંત્રણને કારણે દેશની સૌથી જૂની પાર્ટી ધાર્મિક સંકટમાં ફસાઈ છે.
તેઓને એ વાતની પણ જાણ છે કે ભાજપ આ એક કાર્યક્રમ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે તેની રાજકીય પીચ તૈયાર કરી રહી છે. આવી સ્થિતિમાં જવાથી પણ નુકસાન હતું અને ન જવાના કિસ્સામાં તુષ્ટિકરણના આક્ષેપો થવાના ચાન્સ હતા. હવે કોંગ્રેસ પાર્ટીએ મધ્યમ માર્ગ શોધી કાઢ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપ પહેલા પણ રામ મંદિરના દર્શન કરી શકે છે.