ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણીની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. દેશભરમાં પોતાના નેતાઓ માટે અંતિમ દિશા નિર્દેશ નક્કી કરવા માટે ફેબ્રુઆરીના મધ્યમાં પોતાની રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવા જઇ રહી છે. સૂત્રોએ કહ્યું કે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વએ કેટલાક સાંસદોની ટિકિટ કાપવાનો નિર્ણય કર્યો છે. ભાજપની નજર લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠક પર ચૂંટણી લડવા પર છે.
ભાજપ 70થી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ ના આપવા પર વિચાર કરી રહી છે. પાર્ટી દ્વારા આ મહિનાના અંત સુધી 150-160 બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવાની પણ આશા છે. એક રિપોર્ટમાં સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીને મંજૂરી આપવા માટે આ મહિનાના અંતમાં બેઠક કરી શકે છે.”
સૂત્ર અનુસાર, “વડાપ્રધાન પહેલા જ સંકેત આપી ચુક્યા છે કે પાર્ટીનું ધ્યાન યુવાઓ અને મહિલાઓ પર હશે, તેને મેળવવા માટે પાર્ટી તે સાંસદોને હટાવી શકે છે જેમની ઉંમર 70 વર્ષ કરતા વધારે છે.” ભાજપના કુલ 56 લોકસભા સાંસદ 70 કે તેથી વધુ ઉંમરના છે, જેમાં રાજનાથ સિંહ, વીકે સિંહ, રાવ ઇંદ્રજીત સિંહ, શ્રીપાદ નાઇક, અર્જૂન રામ મેઘવાલ, ગિરિરાજ સિંહ, સીનિયર નેતા રાજેન્દ્ર અગ્રવાલ, રવિશંકર પ્રસાદ, એસએસ અહલૂવાલિયા, પીપી ચૌધરી, સંતોષ ગંગવાર, રાધા મોહન સિંહ અને જગદંબિકા પાલ જેવા નેતાઓના નામ સામેલ છે.