દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ગત ઓક્ટોબર મહિનામાં પૂણેથી પકડવામાં આવેલા આઈએસઆઈએસના આતંકી શાહનવાઝ ઉર્ફે શાફી ઉઝ્ઝમાની પૂછપરછમાં તે ગુજરાતને નિશાન બનાવી વિસ્ફોટો કરવાનો હોવાની કબૂલાત કરતાં સમગ્ર રાજ્યની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. વડોદરામાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડે ચેકિંગ કર્યું હતું. આતંકી વડોદરામાં પણ રોકાયો હોવાનું ખૂલતાં શહેર પોલીસે બે દિવસમાં રેલવે સ્ટેશનની આસપાસની 80થી વધુ હોટલોની પણ તપાસ કરી હતી.
શાહનવાઝે શહેરના મુખ્ય વિસ્તારમાં બાઇક પર ફરીને ફોટોગ્રાફી કરી હતી. જોકે હવે વડોદરા શહેરનો કોઈ શખસ તેની સાથે જોડાયેલો હતો કે કેમ અથવા તેની સાથે અન્ય પણ કોઈ શખસ અહીં રોકાયો હતો કે કેમ તેની તપાસ હાલ ચાલી રહી છે. પોલીસ દ્વારા શહેરના છેલ્લા 6 મહિનાના હોટલના રેકોર્ડ અને સીસીટીવી ફુટેજ તપાસવામાં આવી રહ્યા છે. સાથે જ કોઈ શહેરીજનની સંડોવણી હોવા અંગે તપાસ કરવામાં આવી રહી છે.દિલ્હી પોલીસની તપાસમાં આરોપી અમદાવાદ અને વડોદરા આવીને ગયો હોવાનું ખૂલ્યું છે. દિલ્હી પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, શાહનવાઝ અગાઉ ગુજરાતનાં બે શહેર અમદાવાદ અને વડોદરામાં પહેલાં આવીને ગયો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એટીએસની ટીમ વડોદરા પોલીસના સંપર્કમાં છે.
પોલીસ દ્વારા હોટલોના રજિસ્ટર તેમજ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં એનઆઈએની ટીમ તેમજ ગુજરાત એટીએસ વડોદરા આવીને તપાસ કરવાની છે. તે અગાઉ વડોદરા પોલીસ દ્વારા વિવિધ પાસાની તપાસ શરૂ કરાઈ છે.
ગોધરાકાંડનો બદલો લેવા આઈએસઆઈએસ ગુજરાતમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરાવવા માગતું હતું. આ કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પૂણેથી આતંકી શાનહનવાઝ ઉર્ફે શાફી ઉઝ્ઝમાને પકડી પાડ્યો હતો. તે એનઆઈએના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હતો. તેના માથે 3 લાખનું ઈનામ પણ જાહેર કરાયું હતું.
જોકે, હવે આ કેસ એનઆઈએ તપાસ કરી રહ્યું છે.