અમીરાતની બહુરાષ્ટ્રીય લોજિસ્ટિકસ કંપની ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમે પણ વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોદિત કરતા કહ્યું હતું કે ડીપી વર્લ્ડ આગામી 3 વર્ષમાં 3 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. કંડલા પોર્ટ પર 2 મિલિયન કન્ટેનરની ક્ષમતા સાથે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ બનાવવાની પણ તેમની યોજના છે. અમે ગુજરાત રાજયમાં ઉત્પાદન કરીને અહીંની અર્થવ્યવસ્થાને ટેકો આપતા રહીશું. ભવિષ્ય તરફ જોતાં, અમે ભારત અને યુએઈ વચ્ચે વેપાર, રોજગાર અને સાંસ્કૃતિક સહયોગની અપેક્ષા રાખીએ છીએ.
ડીપી વર્લ્ડે ગુજરાત સરકાર સાથે વ્યૂહાત્મક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ સમિટ ગુજરાત અન ભારત રાજય પ્રત્યેની અમારી પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. ભારતના લોજિસ્ટિકસ ક્ષેત્રના વિકાસ માટે સરકાર સાથે ભાગીદારી કરવામાં અમને ગર્વ છે. ભારતની ચીજવસ્તુઓને વૈશ્ર્વિક સ્તરે બનાવવા માટે અમે ગુજરાત અને બાકીના ભારતના મેન્યુફેકચરિંગ ઉદ્યોગોને સમર્થન આપવાનું ચાલુ રાખીશું.
દુબઈની ડી.પી. વર્લ્ડ કંપનીના ચેરમેન સુલતાન અહમદ બિન સુલેયમે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત માટે વડાપ્રધાનનું વિઝન સાકાર થતાં આનંદ થાય છે. તેમણે સમિટનું આયોજન કરવા બદલ ગુજરાત સરકારને અભિનંદન આપ્યાં જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ભારતની પ્રતિષ્ઠિત બિઝનેસ ફોરમ સ્વરૂપે વિકસી છે. તેમણે ગીફટ સીટી, ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન અને ગુજરાત મેરીટાઈમ કલસ્ટર ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે કામ કરશે તેમ પણ જણાવ્યું હતું. યુએઈ ગુજરાતના સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંનો એક હોવાનું કહેતા તેમણે ગુજરાતના કંડલા ખાતે 20 લાખ કન્ટેનરની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ્સમાં રોકાણ અને વિકાસ માટે ડીપી વર્લ્ડની યોજના વિશે માહિતી આપી હતી.