વરતેજ તાબેના નવાગામ (ચીરોડા) માં આવેલ ખુલ્લી પડતર જમીનમાં બનાવેલ ઢાળિયામાં જુગાર રમતા છ શખ્સને વરતેજ પોલીસે રોકડ રકમ તેમજ વાહનો મળે કુલ રૂ.૮.૬૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. કરદેજ ગામમાં રહેતો શખ્સ બહારથી માણસો બોલાવી જુગાર રમાડી નાળ ઉઘરાવતો હોવાનું ખુલ્યું છે.
વરતેજ તાબેના નવાગામ ( ચિરોડા ) માં આવેલ મોગલમાના મંદિરની પાછળ, ભડીયાની નજીક ખુલ્લી પડતર જમીનમાં બનાવેલ ખુલ્લા ઢાળિયામાં ઘનશ્યામ ભલાભાઇ ડાંગર ( રહે. કરદેજ ) વાળો બહારથી માણસો બોલાવી જુગાર રમાડી નાળ ઉઘરાવતો હોવાની મળેલી બાતમીના આધારે વરતેજ પોલીસે દરોડો પાડી જુગાર રમતા જતીન ભીખાભાઈ ડાંગર, મહેશ પાંચાભાઇ ચાવડા, કાના નાથાભાઈ સુવાડા, અશોક ભીમજીભાઈ ચૌહાણ ( રહે. તમામ કરદેજ ) અલ્પેશ ભગવાનભાઈ રાઠોડ ( રહે. ગુંદાળા,તા. સિહોર ) અને શૈલેષ ગેમાભાઈ સાંગા ( રહે. કમળેજ ) ને ઝડપી લીધા હતા. વરતેજ પોલીસે રૂ.૩,૦૬,૦૦૦ રોકડા,૦૨ કાર અને ૦૩ મોટર સાઇકલ મળી કુલ રૂ.૮,૬૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.