દેશભરમાં એક તરફ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લાસ અને ધાર્મિક શ્રદ્ધાની લહેર છે તે સમયે જ તામિલનાડુમાં રાજય સરકારે જે રીતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાઈવ ટેલીકાસ્ટીંગ પર મુકી દીધેલા આડકતરા પ્રતિબંધ અને ઉજવણી માટે પણ પુર્વ મંજુરી ફરજીયાત બનાવતા જ સુપ્રીમ કોર્ટે રાજય સરકારને એક આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, જો આ પ્રકારના પ્રતિબંધ મુકાશે તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો.
છેલ્લા બે દિવસથી તામિલનાડુમાં જાહેર સ્થળો પર એલઈડી સ્ક્રીન લગાવીને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લાઈવ ટેલીકાસ્ટ માટે વિવિધ સંગઠનો દ્વારા આયોજન કરાયુ હતું. પરંતુ ગઈકાલ સાંજથી જ તામિલનાડુ સરકારે મંદિરો અને સાર્વજનિક સ્થળો પર લાઈવ ટેલીકાસ્ટીંગ સામે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા હતા અને અનેક સ્થળોએથી આ પ્રકારના એલઈડી સ્ક્રીન પણ દુર કર્યા હતા.
આ ઉપરાંત શાળાઓમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી માટે પુર્વ મંજુરીનો પરિપત્ર ઈશ્યુ કર્યો હતો જેની સામે ગઈકાલે જ નાણામંત્રી નિર્મલા સીતારામન કે જેઓ કાચીપુરમમાં આ પ્રકારના એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા ત્યાં એલઈડી સ્ક્રીન રાજય સરકારના આદેશથી હટાવી લેવાતા તેઓએ પણ વિરોધ દર્શાવ્યો હતો. આજે સવારે તામિલનાડુ ભાજપના એક અગ્રણી દ્વારા સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરીને આ આયોજનો રાજય સરકાર રોકી રહી છે તેવું જણાવીને દાદ માંગી હતી.
સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, જો તમે આ પ્રકારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસારણને અટકાવશો તો તમો મુશ્કેલીમાં મુકાઈ જશો. તામિલનાડુ સરકારે એવો દાવો કર્યો કે કેટલીક મસ્જીદો માટે આ પ્રકારના પ્રસારણો માટે એલઈડી સ્ક્રીન મુકાયા હતા તે દુર કરાયા છે. સુપ્રિમકોર્ટે જણાવ્યું કે અગાઉથી આ પ્રકારના આદેશ હોય તો તમો સંભાળપૂર્વક તેનો અમલ કરી શકો છો પરંતુ તમે ફકત રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટીંગ અટકાવી શકશો નહી.
તામિલનાડુમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લાઈવ ટેલીકાસ્ટ પર રાજય સરકારે મુકેલા પ્રતિબંધમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજય સરકારની એ દલીલ પણ ખોટી છે કે જે વિસ્તારમાં બીજા સમુદાયના લોકો રહે છે તેથી આવી મંજુરી આપી ન શકાય અને જો મંજુરી અપાશે તો કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થશે પરંતુ તમે એવા બહાના હેઠળ મંજુરી રોકી શકો નહી તમારે આ અંગે તાત્કાલીક નિર્ણય લેવો પડશે.