રામલલાની ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પછી મંગળવારથી શ્રદ્ધાળુઓ માટે રામ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે. આજથી સામાન્ય લોકો પણ રામલલાના દર્શન કરી રહ્યાં છે. સવારે 7 વાગ્યાથી રામલલાના દર્શન શરૂ થઇ ગયા છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ પોતાના આરાધ્યના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ રામ નગરી અયોધ્યા પહોંચી રહ્યાં છે. એક અનુમાન અનુસાર, દરરોજ દોઢ લાખ શ્રદ્ધાળુ રામલલાના દર્શન કરશે.
નિયમ અનુસાર સવારે 3 વાગ્યાથી પૂજન અને શૃંગારની તૈયારી કરવામાં આવી હતી. 4 વાગ્યે રામલલાને જગાવવામાં આવ્યા હતા. રામલલાને દર કલાકે ફળ-ફૂલનો ભોગ લાગશે. દરરોજ દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓના આવવાનું અનુમાન છે, તેને જોતા રામલલાના દર્શન માટે દરેક શ્રદ્ધાળુને 15થી 20 સેકન્ડનો જ સમય મળશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ અનુસાર, મંદિરને દર્શન માટે સવારે અને સાંજે સાડા 9 કલાક માટે ખોલવામાં આવશે. સવારે 7 વાગ્યાથી 11.30 કલાક સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દર્શન થઇ શકશે.
આરતી માટે બુકિંગ કરાવવું પડશે
સવારની આરતીમાં સામેલ થયા પહેલા બુકિંગ કરાવવું પડશે. સાંજની આતી માટે તે દિવસે જ બુકિંગ થઇ શકે છે. આરતીમાં સામેલ થવા માટે પાસ જાહેર કરવામાં આવશે. પાસ શ્રીરામ જન્મભૂમિ કેમ્પ ઓફિસમાંથી મળશે. આરતી શરૂ થયાના અડધા કલાક પહેલા પાસ મળશે. શ્રદ્ધાળુઓએ પાસ માટે સરકારી આઇડી પ્રૂફ સાથે લાવવું પડશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ પર જઇને પણ પાસ લઇ શકાય છે.
કેન્દ્રિત મોબાઇલ એપ
અયોધ્યા વિકાસ પ્રાધિકરણે પ્રવાસન કેન્દ્રિત મોબાઇલ એપ તૈયાર કરી છે જેનાથી શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા ભ્રમણ આસાન બની જશે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે,જેમાં અયોધ્યાના મુખ્ય સ્થળો, પરિવહન, મેપ અને રોકાવાના સ્થળની જાણકારી હશે. એપની 3ડી મેપ સેવા ભવિષ્યમાં શહેરમાં વ્યવસ્થા સંબંધી બદલાવને પણ બતાવશે. એપ દ્વારા અયોધ્યાના વિવિધ મંદિરોના વર્ચુઅલ દર્શન પણ કરી શકશો.
રામલલાના દર્શન સવારે 3 વાગ્યાથી જ ભક્તોની ભારે ભીડ : RAF કમાન્ડોઝે મોર્ચો સંભાળ્યો
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યું છે. આજે સવારે 3 વાગ્યાથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ મંદિરની બહાર જોવા મળી છે. મંદિરના ગેટ જેવા ખુલ્યા લોકો પહેલાં અંદર જવા માટે ધક્કા-મુક્કી કરવા લાગ્યા હતા.