રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે રવિવારે મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટોળાને કાબૂમાં લેવા 10 રાઉન્ડ ટીયર ગેસ સેલ છોડ્યા હતા. 15 જેટલા શકમંદ લોકોને અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આજે ખેરાલુ પોલીસમાં 32 શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપીઓ એકસંપ થઈ પૂર્વ આયોજિત કાવતરું રચી ખેરાલુમાં નીકળેલ શોભાયાત્રા પર બહેલીમવાસના ઘરો ઉપરથી પથ્થરમારો કર્યો હતો. તેમજ હાથમાં તલવાર ધારીયા જેવા હથિયારો લઈ આવી શોભાયાત્રામા જોડાયેલા ભક્તો પર હુમલો કર્યો હતો.
નોંધનીય છે કે, 21મી જાન્યુઆરીએ મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન શોભાયાત્રા ખેરાલુના હાટડીયા વિસ્તારમાં પહોંચતા કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જેના પગલે શોભાયાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. બાદમાં આ શોભાયાત્રા ફરી શરૂ થઈ હતી. જેમાં ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી પણ જોડાયા હતા.