અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી દેશ આખાએ દિવાળીના માફક ઉજવણી કરી હતી. રામનગરી અયોધ્યામાં જ નહીં, પરંતુ કાશ્મીરથી કન્યાકુમારી અને પશ્ચિમથી લઈને પૂર્વમાં દેશ આખો રામમય બન્યો હતો. અયોધ્યા, ઉજ્જૈન (અવતિંકાનગરી), કાશ્મીર, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અન્ય રાજ્યના મહાનગરોમાં લોકોએ જોરદાર સેલિબ્રેશન કર્યું હતું.
પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ભગવાન રામના ચિત્રણ કરનારા ભવ્ય લેઝર અને લાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી લાઈટિંગથી ફક્ત રામ લલ્લાનું મંદિર જ નહીં, સમગ્ર પરિસરમાં ભવ્ય આભા જોવા મળી હતી.અયોધ્યા સિવાય કેરળમાં થિરુવનંતપુરમના પદ્યનાભસ્વામી મંદિરને શાનદાર લાઈટિંગ-દીવાથી સજાવવામાં આવ્યું હતું, જ્યારે કાશ્મીરનું રઘુનાથ મંદિર હોય કે પછી કાશ્મીર ખીણમાં શંકારાચાર્ય મંદિર, સૂર્ય મંદિરને શાનદાર સજાવવામાં આવ્યું હતું. કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશના મંદિરોમાં પણ ફટાકડાં ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
આસામના કામાખ્યા મંદિરમાં રામજ્યોતિ પ્રગટાવવામાં આવી હતી. આસામના મુખ્ય પ્રધાન હિમંત બિશ્વાએ લખ્યું હતું રામમય નીલાંચલ, ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે માં કામાખ્યા મંદિર રામજ્યોતિથી જગમગી ઊઠ્યું છે. દરમિયાન બાબા મહાકાલની નગરી અવતિંકાનગરીમાં પણ રામજ્યોતિથી દીપી ઊઠ્યું હતું. ઉજ્જૈન, હરદ્રાર, દહેરાદૂન સહિત સમગ્ર ઉત્તરાખંડમાં શિવભક્તોએ રામજીના મહોત્સવની ઉજવણી કરી હતી.
દરમિયાન મહારાષ્ટ્રમાં દરેક મોટા પક્ષોએ રામ મંદિર મહોત્સવની ઉજવણી કરી હતી, જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાના હોમસિટી થાણેના રામમંદિરમાં ઉજવણી કરી હતી. પ્રતિષ્ઠા પૂરી થયા પછી મુંબઈ, પુણે, નાશિકમાં લોકોએ શાનદાર સરઘસ, રેલીઓ કાઢી હતી. મુંબઈની પ્રતિષ્ઠિત ઈમારતોને પણ લાઈટિંગથી સજાવવામાં આવી હતી.