આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્યપદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે. ત્યાર બાદ વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટાચૂંટણી લડશે. ભાજપમાં રાજકીય સમીકરણ સેટ થઈ જતાં તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે, જોકે અગાઉ બે વખત ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે એવી ચર્ચાઓ ચાલી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી નજીક આવતાં જ પક્ષપલટો અને રાજીનામાની રાજનીતિનો દોર શરૂ થઈ ગયો છે. એવામાં ભાજપે 2024ની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું હતું અને તમામ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલય શરૂ કર્યાં હતાં. જોકે ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટસ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યો છે.