અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આંગણવાડીમાં હવે નકલી બાળકોનું કૌભાંડ સામે આવ્યું છે. નારણપુરા વિસ્તારમાં ચામુંડાનગર વસાહતમાં આવેલી આંગણવાડીમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર મિત્તલ દેસાઈએ ખોટી રીતે બાળકો દર્શાવવાં સોશિયલ મીડિયામાંથી બાળકોના ફોટા લઈ પોર્ટલ પર અપલોડ કરી દીધા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે 10 બાળક બહારના વિસ્તારનાં છે. આંગણવાડી કાર્યકરે ભૂતિયાં બાળકો જ નહીં, પરંતુ અપરિણીત મહિલાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી તેને પરિણીત અને તેનું બાળક દર્શાવી કુપોષણ બાળક માટે મળતી રેશનકિટ પણ મેળવી સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
નારણપુરા વિસ્તારમાં ચામુંડાનગર વસાહતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આંગણવાડી આવેલી છે, જેમાં મિતલબેન વાઘુભાઈ દેસાઈ નામની મહિલા આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવે છે. તેઓ છેલ્લા એક મહિનાથી કોઈપણ જાણ વિના ફરજ પર ગેરહાજર રહ્યાં હતાં. આંગણવાડી કાર્યકર મિત્તલ દેસાઈએ લાભ મેળવવા માટે ખોટા લાભાર્થી ઊભા કર્યા હોવા અંગેનું સામે આવ્યું છે. આંગણવાડીમાં 3થી 6 વર્ષનાં 10 બાળકો હાજર જોવા મળ્યાં હતાં. ઓનલાઇન આંગણવાડીની એપ્લિકેશનમાં તપાસ કરવામાં આવતાં 22 બાળકો પૈકી 10 જેટલાં બાળકોની ખોટી એન્ટ્રી કરેલું હોવાનું સામે આવ્યું છે.