ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસના નિર્ણય પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમના દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. ઇઝરાયેલે આ નિર્ણયને અપમાનજનક ગણાવ્યો છે. આ ઉપરાંત ઇઝરાયેલે પ્રતિજ્ઞા લીધી છે કે દેશની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાએ ગાઝામાં ઈઝરાયેલના હુમલાને નરસંહાર ગણાવીને કોર્ટનો સંપર્ક કર્યો હતો. આફ્રિકાએ કોર્ટને વિનંતી કરી હતી કે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલી હુમલાઓને વહેલી તકે બંધ કરવામાં આવે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે કહ્યું કે ‘અમે અમારા લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા લોકો અને દેશની સુરક્ષા માટે જે પણ પગલાં જરૂરી હશે તે અમે ઉઠાવીશું. દરેક દેશની જેમ, ઇઝરાયેલને પણ તેની અખંડિતતાનું રક્ષણ કરવાનો મૂળભૂત અધિકાર છે. ઈઝરાયેલ પેલેસ્ટાઈનીઓ સામે નરસંહાર કરી રહ્યું હોવાનો દાવો તદ્દન ખોટો છે અને આ અપમાનજનક છે.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ કહ્યું કે ‘ઇઝરાયેલે પેલેસ્ટિનિયન વિસ્તારમાં લોકોના મોત અને નુકસાન ઘટાડવા શક્ય તેટલા પ્રયાસ કરવા જોઈએ.’ દાખલ કરેલી અરજીમાં દક્ષિણ આફ્રિકાએ કહ્યું હતું કે 1948માં નરસંહારને રોકવા માટે યુએન નરસંહાર સંમેલનને મંજૂરી આપવામાં આવી હતી, જેનું ઈઝરાયેલે ઉલ્લંઘન કર્યું છે.