સુરતમાં વધુ એક 30 વર્ષીય યુવકનું હાર્ટ-એટેકથી મોત થયું છે. 30 વર્ષીય ફેશન-ડિઝાઈનર સવારે ઊઠ્યો હતો અને ત્યાં ઢળી પડ્યો હતો. હોસ્પિટલ ખસેડાતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના મોતને પગલે એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ મહારાષ્ટ્ર અને પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં 30 વર્ષીય હીરાલાલ નામદેવ પાટીલ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને એક પાંચ વર્ષનો દીકરો છે. ફેશન-ડિઝાઈનર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. સાંજે કામ પરથી આવ્યા બાદ પરિવાર સાથે ભોજન લીધું હતું અને રાત્રે સૂઈ ગયો હતો. હીરાલાલ સવારે ઊઠ્યો હતો અને પથારીમાંથી ઊભો થતાં ઢળી પડ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
હીરાલાલના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પતિના મોતના પગલે પત્ની આઘાતમાં સરી પડી છે. હાલ તો આ યુવકનું મોત હાર્ટ-એટેકના કારણે થયું હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે.