વડોદરા શહેરના વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને ચાર યુવતીઓ ભાગી રહી હતી. લોકોએ તેમનો પીછો કરતા આ ચારેય યુવતીએ પોતાની જાતે પોતાના કપડાં કાઢીને રોડ પર બેસીને તમાશો કર્યો હતો. જોકે, પીછો કરનાર લોકોએ નિર્વસ્ત્ર થઈ ગયેલી યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. ACPએ જણાવ્યું હતું કે, લોન્ડ્રી સંચાલકની ફરિયાદના આધારે ચાર યુવતી સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ યુવતીઓ પોતાના નામ સ્પષ્ટ બતાવતી નથી. આથી અભયમ ટીમની મદદ લેવામાં આવી છે. આ બનાવમાં વાહનોથી ધમધમતા જાહેર રોડ ઉપર નિર્વસ્ત્ર થઇ જનાર ચાર યુવતીને મારમારી ધક્કા મારનાર ટોળાં સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
મળેલી માહિતી પ્રમાણે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રીની દુકાનમાં ચાર યુવતી ગ્રાહકના સ્વાંગમાં ધસી ગઈ હતી. મોકો મળતા લોન્ડ્રીની દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. દરમિયાન લોન્ડ્રીની દુકાનમાં કામ કરનાર યુવાન યુવતીઓને ચોરી કરતા જોઈ જતાં તેને બુમરાણ મચાવી હતી. યુવાને બુમરાણ મચાવતા યુવતીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, લોકોએ તેઓનો પીછો કર્યો હતો. લોકોને પીછો કરતા જોઈને ગભરાઈ ગયેલી ચારે યુવતીએ ફટાફટ પોતાના કપડાં કાઢીને રોડ ઉપર બેસીને તમાશો કર્યો હતો. જો કે, રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ચારે યુવતીને મેથીપાક પણ ચખાડ્યો હતો. લોક ટોળામાંથી ભાગેલી યુવતીઓ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય પાસે નિર્વાસ્ત્ર હાલમાં દોડતી પહોંચી ગઈ હતી. તે સમયે કારેલીબાગ પોલીસની જીપ આવી જતા ચારે યુવતીને કપડાં પહેરાવીને પોલીસ મથક લઈ ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવે કારેલીબાગ વિસ્તારમાં ભારે ચકચાર પણ જગાવી મૂકી હતી. કપડાં કાઢીને રડવાનું નાટક કરનાર યુવતીઓએ લોકટોળા પાસે માફી માંગવાનો પણ ડોળ કર્યો હતો. જોકે, રોષે ભરાયેલા લોકટોળાએ યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી.
આ બનાવ અંગે જોન 4ના ACP પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, અંબાલાલ પાર્ક વિસ્તારમાં જય રણછોડ કોમ્પ્લેક્ષ સ્થિત ઇગ્લેન્ડ ડ્રાઇ ક્લિનીક નામની દુકાન આવેલી છે. બપોરના સમયે માલિક ટિફીન લેવા માટે ઘરે ગયા હતા. દુકાનમાં કામ કરતા ઇકબાલ રફિકભાઇ ધોબી કપડામાં ઇસ્ત્રી કરી રહ્યા હતા. દરમિયાન ચાર મહિલાઓ દુકાનમાં ધસી આવી હતી. ચાર મહિલાઓ પૈકી બે મહિલાએ ઇસ્ત્રી કરી રહેલા ઇકબાલ ધોબી આગળ ગલ્લાની આડસ કરી ઊભી થઇ ગઇ હતી. બે મહિલાએ સિફતપૂર્વક ગલ્લામાંથી 25,000 સેરવી લીધા હતા અને ચારે મહિલા રવાના થઇ ગઇ હતી. ઇકબાલને શંકા જતાં ગલ્લામાં રકમ ન જણાતા તેણે પીછો કર્યો હતો અને અન્ય લોકો પણ તેઓની મદદે આવી ગયા હતા. ઇકબાલે લોકોને ચારે યુવતીએ ગલ્લામાંથી રૂપિયા 25,000ની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.