નવી મુંબઈમાં સિડકો એક્ઝિબિશન સેન્ટરમાં આયોજિત વિશ્વ મરાઠી સંમેલનમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ હિન્દી ભાષાને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ફરી એકવાર મરાઠી કાર્ડ રમતાં કહ્યું કે હું આજ સુધી મરાઠીના વિષય પર જેલ પણ ગયો છું, હું કડવો મરાઠી છું. મારા સંસ્કાર એવા જ બની ગયા છે.
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે ‘આપણે સૌથી પહેલાં મહારાષ્ટ્ર પર ધ્યાન આપવાની જરૂર છે. મરાઠી માણુસ આખી દુનિયામાં છે. એટલા માટે તેમને શુભેચ્છા. જો કે જ્યારે હું મહારાષ્ટ્રના શહેરોમાં મરાઠી સિવાય હિન્દી ભાષા મારા કાને સંભળાય છે તો તકલીફ થવા લાગે છે. ભાષાનો કોઈ વિરોધ નથી પણ હિન્દી રાષ્ટ્રભાષા નથી. અન્ય ભાષાઓની જેમ હિન્દી પણ એક ભાષા છે. દેશમાં ક્યારેય રાષ્ટ્રભાષા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.’
આ પ્રસંગે રાજ ઠાકરેએ આગ્રહ કર્યો કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ 1 થી 10માં ધોરણ સુધી મરાઠી ભાષા ફરજિયાત બનાવી દેવી જોઇએ. આ દરમિયાન રાજ ઠાકરેએ લોકોને અપીલ કરી કે ‘તમે તમારી સામે આવતા દરેક વ્યક્તિ સાથે મરાઠીમાં જ વાતો કરો. આપણે હિન્દી ફિલ્મોથી સંસ્કારિત થયા. આપણે મરાઠી લોકો બોલચાલમાં પણ હિન્દી ભાષાનો કેમ પ્રયોગ કરીએ છીએ? મરાઠી ઘણી મહાન ભાષા છે. મને નથી લાગતું કે કોઈ અન્ય ભાષામાં એવું હાસ્ય છે જે મરાઠી ભાષામાં છે. આજે આ ભાષાની અવગણના કરવાના રાજકીય પ્રયાસો થઈ રહ્યા છે. આ જોઈને મારું માથું ફરી જાય છે.’