કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આશંકા વ્યક્ત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી લોકો માટે લોકતંત્રને બચાવવાની અંતિમ તક છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, એક રેલીને સંબોધિત કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “જો નરેન્દ્ર મોદી ફરી એક વખત ચૂંટણી જીતે છે તો દેશમાં તાનાશાહી આવી જશે.” કોંગ્રેસ અધ્યક્ષ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા હતા. કોંગ્રેસ અધ્યક્ષે લોકોને ભાજપ અને RSSથી દૂર રહેવાનો આગ્રહ કરતા આરોપ લગાવ્યો કે તે ઝેર સમાન છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકોને સંબોધિત કરતા કહ્યું, “તમને એક વાત કહું છું, આ અંતિમ ચૂંટણી છે. જો મોદીજી ફરી આવી ગયા તો ચૂંટણી થવા નહીં દે. દેશમાં તાનાશાહી આવી જશે. માનો કે ના માનો, અમે હજુ પણ જોઇ રહ્યાં છીએ, થોડા સમય પહેલા જ અમારા એક નેતાને ત્યા લઇને ગયા, જુઓ, એક-એકને નોટિસ આપવી, ડરાવવા, ધમકાવવા, તેમની મિત્રતા નહીં છોડો તો અમે જોઇ લઇશું.”
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “ડરીને કોઇ મિત્રતા છોડી રહ્યું છે, કોઇ પાર્ટી છોડી રહ્યું છે, કોઇ ગઠબંધન છોડી રહ્યું છે, અરે, આટલા ડરપોક લોકો જો રહ્યાં તો શું આ દેશ બચશે, શું આ બંધારણ બચશે, શું આ ડેમોક્રેસી બચશે, માટે મત આપવાની આ અંતિમ તક છે, તે બાદ કોઇ મત નહીં આપે કારણ કે રશિયામાં પુતિનની જે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાય છે તેવું જ અહીં થશે.”
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “તમને ધ્યાનમાં આવી રહ્યુ છે, તે બાદ કોઇ ચૂંટણી નહીં યોજાય, તે પોતાની તાકાત ઉપર ચલાવશે, ચૂંટીને આવશે..તો બંધારણની રક્ષા કરવી, ડેમોક્રેસીની રક્ષા કરવી ઇલેક્શન વારંવાર થવું, તેની જવાબદારી તમારા ઉપર છે. જો તમે ઇચ્છો તો ડેમોક્રેસી બચી શકે છે, જો તમે નથી ઇચ્છતા તો ગુલામ રહેવા માંગો છો તો પછી તમારી મરજી.”