કોમી તોફાનો દરમ્યાન જાહેર મિલકત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓમોટો પીઆઈએલમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે રાજ્યના ગૃહ વિભાગ હેઠળ પોલીસ તંત્રમાં 29 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે, તેમાંથી 12 હજારજગ્યાઓ ભરવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. હાઈકોર્ટે તોફોને વખતે જાહેર માલ-મિલકતને નુકસાન થાય છે તો તે માટે અન્ય રાજ્યોમાં કાયદો છે તેવો કોઈ કાયદો ગુજરાતમાં છે ખરો.. તેવી પૃચ્છા પણ સરકારને કરી હતી.
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ટેકનીકલ અને સ્ટેટ આઈબીમાં એક હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. તો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4500 જગ્યાઓ ખાલી છે. પોલીસ તંત્રમાં 23,516 જગ્યાઓ ખાલી બોલે છે તો કોર્ટના હુકમ મુજબ કેટલી ભરતી થઈ છે..?અને ભરતીનું સ્ટેજ કયા તબક્કે છે? તે સહિતની વિગતો સરકારે તેના સોગંદનામામાં સ્પષ્ટ કરી નથી. તેથી આ મુદ્દે જરૂરી પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા પણ હાઈકોર્ટે સરકારને હુકમ કર્યો હતો.
હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ પછી રાખી છે. રાજ્ય સરકારે અગાઉના સોંગદનામામાં જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ તંત્રમાં કુલ 21.3 ટકા જગ્યા ખાલી છે. આ સિવાય રાજ્યમાં રેલી, સરઘસ અને સભા માટે પોલીસ વિભગને જરૂરી કામગીરી અંગે સરકાર દ્વારા અગત્યના દિશા નિર્દેશો જારી કરાયા હતા.
કોમી તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન અટકાવવા, રેલી, સભા, સરઘસ દરમ્યાવ પોલીસને દિશા-નિર્દેશ, પોલીસ રિડ્રેસલ ફોરમની રચના, વસ્તી પ્રમાણે પોલસની ભરતી, પોલીસ તાલિમ સહિતના વિવિધ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યોને 2019માં જારી કરેલા નિર્દેશોના પગલે ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે પીઆઈએલ દાખલ કરી હતી.