આજે દેશનું વચગાળાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ પહેલા જાન્યુઆરી મહિના માટે GST કલેક્શનમાં 10.4 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. કલેક્શન રૂ. 1.72 લાખ કરોડના સ્તરને પાર કરી ગયું છે. આ અત્યાર સુધીનું બીજું સૌથી મોટું માસિક કલેક્શન છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2024 માં ત્રીજી વખત, કલેક્શન 1.70 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે.
એપ્રિલ 2023-જાન્યુઆરી 2024ના સમયગાળા દરમિયાન ચાલુ નાણાકીય વર્ષ GST કલેક્શનમાં વાર્ષિક 11.6%ની વૃદ્ધિ જોવા મળી હતી. આ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં કલેક્શન ₹16.69 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં ₹14.96 લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર, 2023માં GST કલેક્શન રૂ. 1,64,882 કરોડ હતું. જેમાં CGST રૂ. 30,443 કરોડ હતું. SGST રૂ. 37,935 કરોડ, IGST રૂ. 84,255 કરોડ અને સેસ રૂ. 12,249 કરોડ હતું. આ વર્ષે અત્યાર સુધીનો આ સાતમો મહિનો છે જેમાં કલેક્શન રૂ. 1.60 લાખ કરોડથી વધુ છે.